સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે ૮૭ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમાં કાનજીભાઈ ભાલાળાએ કહ્યું કે, અંધકારને દુર કરવા દિવડો પ્રગટાવીએ છીએ. તે જ રીતે અજ્ઞાનને દુર કરવા શિક્ષણ એક દિવડો છે. ઓડિશાથી ધો.૧૦ પાસ એક યુવાન સુરતમાં લુમ્સના કારખાનામાં કારીગર તરીકે આવે છે. મજુરી કરતા કરતા ભણી આજે ઓડિશા સરકારમાં ક્લાસવન અધિકારી તરીકે નિમણુંક પામ્યા છે.
ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ દંપતી સી.એ આશીષ સિમડીયા અને સી.એ પ્રાપ્તિ સિમડીયા ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિએ અસામાન્ય બનવું હોય તો માત્ર શિક્ષણ જ એક રસ્તો છે. શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તેનાથી વ્યક્તિ ધારે તે પામી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ પરિવર્તન માટે નિમીત બની શકે છે. શિક્ષણથી આકાશ અને જમીન નહિ પરંતુ આકાશ અને પાતાળ જેટલો તફાવત પડે છે.. દરેક ઘરે સ્ત્રીને શિક્ષીત કરવાથી સુદ્રઢ રાષ્ટ્રનું ધડતર થઈ શકે છે. શિક્ષા એકમાત્ર એવી વસ્તુ છે, જે આપવાથી હંમેશા વધે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દીકરીને કરીયાવરમાં ડીગ્રી આપવી જોઈએ.
૧૫ વર્ષ પહેલા સુરતમાં ટેક્ષટાઈલ લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરવા આવેલ ઓડિશાના બિષ્ણુ ચરણ નાયકે સુરતમાં મજુરી કરતા કરતા ઇન્દિરાગાંધી ઓપન યુનિવર્સિટી માંથી એમ.એ ની ડિગ્રી મેળવી છે. વધુ પરીક્ષા આપીને વિર નર્મદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે નોકરી મેળવી હતી. પરંતુ તાજેતરમાં તેમણે ઓડિશાની રાજ્ય જાહેર સેવા આયોગ (OPSC) ની પરીક્ષા પાસ કરી તેઓ ક્લાસવન અધિકારી બન્યા છે. તેમની ઉદાહરણરૂપ સફળતાને બિરદાવી સન્માનિત કર્યા હતા.
તેને ધ્યાનમાં રાખી નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનમાં ઉજાસ આપે છે. જેનાથી ઉન્નતીની દિશા મળે છે. અમરેલી નજીકના વિઠ્ઠલપુર ખંભાળીયામાં ૧૫૦ યુવક યુવતીઓ માસ્ટર ડીગ્રી ધરાવે છે. ૮ પી.એચ.ડી અને ૨૪ ડોક્ટરો છે. ૧૨૦ થી વધુ યુવક યુવતીઓ વિદેશમાં સારી નોકરી કરી રહ્યા છે. ગામમાં હરીજન સમાજના ૨૦ થી વધુ યુવક યુવતીઓ સરકારી નોકરીમાં છે. આ તાકાત શિક્ષણની છે. તેનો ઉજાસ, ગામના નિવૃત શિક્ષક મનુભાઈ ગોંડલીયાના કારણે થયો છે. ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. શિક્ષણ અને કેળવણી બે આંખો છે જે જોવા અને જીવવાની દ્રષ્ટી આપે છે. શિક્ષણ અને અનુભવ મોટી તાકાત છે. માણસ ધારે તે પ્રાપ્ત કરી શકે છે.લોકોમાં સરખું છે તે કુદરતી છે. જે જુદુ પડે છે તે શિક્ષણ છે અને તે વ્યક્તિનું ધડતર છે. છેલ્લે જણાવ્યું કે, જો શીખવાનો નશો ચઢી જાયતો જીવનમાં ચમત્કાર થાય છે.