હોસ્પિટલને દાન : બિગ બીએ મુંબઈની સિવિલ હોસ્પિટલને 1.75 કરોડના મેડિકલ ઈક્વિપ્મેન્ટ્સ આપ્યા

0
0

અમિતાભ બચ્ચને સાયન, મુંબઈની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલને હાઈટેક વેન્ટિલેટર તથા અન્ય કેટલાંક મેડિકલ ઈક્વિપ્મેન્ટ્સ દાનમાં આપ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપર કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, બિગ બીએ જે ઈક્વિપ્મેન્ટ દાનમાં આપ્યા છે, તેમાં મોનીટર્સ, C આર્મ ઈમેજ ઈન્ટેન્સિફાયર તથા એક ઈન્ફ્યૂઝન પંપ સામેલ છે. વેન્ટિલેટર ઉપરાંત આ તમામ ઈક્વિપ્મેન્ટ્સ અંદાજે 1.75 કરોડના છે. રિપોર્ટ પ્રમાણે, અમિતાભે આપેલા વેન્ટિલેટર સર્જરી ડિપાર્ટમેન્ટમાં લગાવવામાં આવશે અને ઈક્વિપ્મેન્ટ્સની મદદથી 30 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

ગયા મહિને ગુરુદ્વારાને 2 કરોડ રૂપિયા આપ્યા હતા
કોરોનાની પહેલી લહેરથી જ અમિતાભ બચ્ચન જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. ગયા મહિને તેમણે દિલ્હીના ગુરુ તેગબહાદુર કોવિડ કેર સેન્ટરને 2 કરોડ રૂપિયાની મદદ કરી હતી. આ ડોનેશન અંગેની માહિતી દિલ્હી શિખ ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ સો.મીડિયામાં આપી હતી અને અમિતાભનો આભાર માન્યો હતો.

બ્લોગમાં કેવી રીતે મદદ કરી તે અંગેની માહિતી આપી હતી
થોડાં સમય પહેલાં બિગ બીએ બ્લોગમાં કહ્યું હતું કે કોરોનાની પહેલી લહેરથી અત્યાર સુધી તેઓ 15 કરોડ રૂપિયા દાનમાં આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું, ‘આ લડાઈમાં અનેક યોગદાન આપી રહ્યાં છે અને સતત તેઓ કરી રહ્યા છે. મેં દિલ્હીના એક કોવિડ કેર સેન્ટરને આપેલા 2 કરોડ રૂપિયાની જ જાણ લોકોને છે. જોકે, જેમ જેમ દિવસ પસાર થતાં રહ્યાં, તેમ તેમ મારું યોગદાન વધતું રહ્યું અને તે 15 કરોડ રૂપિયા થઈ ગયું.

અમિતાભે પોતાના ચેરિટી વર્કનું લિસ્ટ શૅર કર્યું હતું

  • આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશના 1500થી વધુ ખેડૂતોની બેંક લોન મેં ચૂકવી અને તેમને આત્મહત્યા કરતાં બચાવ્યા. 300થી વધુ લોકો આવી શક્યા નહીં, 50 લોકો માટે ટ્રેનનો કોચ બુક કરાવ્યો. તેમને મુંબઈ બોલાવ્યા, બસ મોકલી, મુંબઈ દર્શન કરાવ્યા, ઘરે બોલાવીને જમાડ્યા તથા લોન કેન્સલના સર્ટિફિકેટ આપ્યા અને તેમને મારા ખર્ચે જ ઘરે મોકલ્યા.
  • વીર શહીદ જવાનોની યાદી મગાવવામાં આવી અને તેમના પરિવાર, પત્ની તથા તેમના બાળકો, કેટલીક ગર્ભવતી શહીદ વિધવાઓને જરૂર પ્રમાણે મદદ કરી. પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને જનક બંગલે બોલાવ્યા. અભિષેક-શ્વેતાના હાથે મદદ આપી.
  • ગયા વર્ષે કોરોના દરમિયાન ચાર લાખ રોજમદાર શ્રમિકોને એક મહિનાનું કરિયાણું આપ્યું. શહેરમાં પાંચ હજાર લોકોને રોજ બે ટાઈમ ભોજન આપ્યું. ફ્રન્ટ લાઈન વૉરિયર્સ તથા હોસ્પિટલ્સને હજારો માસ્ક, PPE કિટ, સેનિટાઈઝર આપ્યા. મારા અંગત ફંડમાંથી શિખ સમુદાયને ડોનેશન આપ્યું. આ સમુદાયે શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવામાં મદદ કરી હતી. આ બસને ચલાવનારા મોટાભાગના ડ્રાઈવર શિખ હતા.
  • શ્રમિકો જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે અનેકની પાસે પગમાં ચંપલ નહોતા. અનેક લોકોને ચંપલ આપ્યા. ઉત્તર પ્રદેશ-બિહારના અનેક જિલ્લા માટે 30 બસો બુક કરી. પૂરી યાત્રા દરમિયાન ભોજન-પાણી આપ્યું.
  • મુંબઈથી ઉત્તર પ્રદેશ જતી આખી ટ્રેન બુક કરી, જેમાં 2800 પ્રવાસીઓને મોકલ્યા. તે તમામને મારા ખર્ચે મોક્યા. જ્યારે રાજ્યોએ ટ્રેન કેન્સલ કરી તો તરત જ 3 ચાર્ટર ઈન્ડિગો પ્લેનના માધ્યમથી પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા જમ્મુ કાશ્મીર મોકલ્યા.
  • જેવો વાઈરસનો પ્રકોપ વધ્યો એટલે બંગલા સાહિબ ગુરુદ્વારાને એક આખું ડાયગ્નોસ્ટિક સેન્ટર આપ્યું. મારા નાના-નાની તથા માતાની યાદમાં MRI તથા સોનોગ્રાફી મશીન આપ્યું.
  • 450 બેડનું એક કેર સેન્ટર સેટ અપ માટે રકાબગંજ ગુરુદ્વારામાં ડોનેશન આપ્યું. ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. દિલ્હીમાં જરૂર વધારે છે તો ત્યાં અને થોડાંક મુંબઈમાં. 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પોલેન્ડથી 15 મે સુધીમાં આવી જશે. બાકી 150 અમેરિકાથી આવશે. ઓર્ડર કરવામાં આવ્યા છે. કેટલાંક હોસ્પિટલને પણ મોકલવામાં આવ્યા છે.
  • BMCને વેન્ટિલેટર્સની જરૂર હતી તો મેં 20 મગાવ્યા, 10 આવી ગયા છે. જુહૂ લોકેશનમાં 50 બેડની હોસ્પિટલ બની રહી છે, તો તેના સેટઅપ માટે ડોનેશન આપ્યું. નાણાવટી હોસ્પિટલને ગયા અઠવાડિયે 3 કોવિડ ડિટેક્શન મશીન ડોનેટ કર્યા.
  • શહાની ઝૂંપડપટ્ટી તથા ગરીબ વસ્તીના હજારો લોકોને ભોજન મોકલી રહ્યો છું. બે બાળકોને દત્તક લીધા છે. આ બંને બાળકોના પેરેન્ટ્સ કોરોનામાં ગુજરી ગયા હતા. આ બંને બાળકોને હૈદરાબાદના અનાથાશ્રમમાં મોકલ્યા છે. તેમનો અભ્યાસનો ખર્ચ હું ઉઠાવી રહ્યો છું. ધોરણ 10 બાદ જો તેઓ સ્કોલર રહ્યાં તો આગળનો ખર્ચ પણ હું જ ઉઠાવીશ.
  • વખાણ નહીં, તેનું અનુસરણ કરો. જો કોઈ આ પ્રકારની નાની પણ મદદ કરે છે તો મુશ્કેલ પરિસ્થિતિ થોડી સુધરવાની શરૂ થશે. ચારે બાજુ દુઃખ જોઈને કંઈ ના કરવાની અસમર્થતા દર્દનાક છે. જોકે, આપણે લડીશું અને આપણે જીતીશું પણ. તો ભગવાન મારી મદદ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here