અમદાવાદ: એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો થતા તેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી. ઉનાળાની ઋતુનું આગમન થઈ ગયું છે. દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં આજે મોટા ભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં રીંગણ, ગાજર, ફુલાવર, વાલોર, ટામેટા, મરચા, દૂધી, ભીંડા, કારેલા, કોથમીર વગેરેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.આજે શાકભાજીના ભાવમાં 15 થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થથા ગૃહિણીઓએ શાકભાજી માટે વધારે રૂપિયા ચૂકવવા નહિ પડે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આદુ, લીંબુ, તુવેર અને ગુવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ઉનાળાની ગરમીના લીધે અન્ય શાકભાજીના ભાવ ઊંચકાવાની શક્યતા રહેલી છે.અમદાવાદના એપીએમસી માર્કેટમાં જો આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો આદુ 135 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 110 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 120 રૂપિયા પ્રતિ કિલો, ગુવાર 95 રૂપિયા પ્રતિ કિલો, તુવેર 65 રૂપિયા પ્રતિ કિલો, કારેલા અને વાલોર 45 રૂપિયા પ્રતિ કિલો, વટાણા અને મરચા 50 રૂપિયા પ્રતિ કિલો, ભીંડા 35 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.
શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યુ હતુ કે શાકભાજીના ભાવમાં થતી વધ-ઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે. આ સાથે વાતાવરણમાં થતા ફેરફાર, સિંચાઈના પાણીની જરૂરિયાતો, શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત-નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી થાય છે.જો ગત અઠવાડિયાની સરખામણીમાં આજે આદુ, લીંબુ, તુવેર, ગુવાર, બટાકા અને ડુંગળીના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં 15 થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ જેમ જેમ ઉનાળાની ગરમી આકરી થતી જશે તેમ તેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધુ ઊંચકાવાની શક્યતા છે.