રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટની મહિલા કર્મચારી દ્વારા સુરક્ષામાં તહેનાત CISF જવાનને થપ્પડ મારવાના કેસમાં યૌન શૌષણની વાત સામે આવી છે. ગંદી ગંદી વાતો કરતાં પોતે CISF જવાનને થપ્પડ મારી હતી તેવું સ્પાઈસ જેટની મહિલાનું કહેવું છે.
મહિલાએ કહ્યું કે 11 જુલાઈના રોજ સવારે 4.30 વાગ્યાની આસપાસ હું મારું કામ કરી રહી હતી. ત્યારે ASI ગિરિરાજ પ્રસાદે આવીને કહ્યું કે અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો. એક રાતનો શું ભાવ છે, ડ્યુટી બાદ મને ઘેર આવીને મળજે. મેં તેને કહ્યું કે હું તેની સામે પોલીસ ફરિયાદ કરીશ. તેના પર એએસઆઈએ કહ્યું કે મેં તારા જેવી ઘણી મહિલાઓ જોઈ છે, હું સ્પાઇસ જેટમાં 5 વર્ષથી કામ કરું છું. હું તમામ નિયમોથી સારી રીતે વાકેફ છું.
અગાઉ આ મામલે સ્પાઈસ જેટ કંપનીનું નિવેદન પણ સામે આવ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે જવાને મહિલા કર્મીનું યૌન શૌષણ કર્યું હતું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે મહિલાને ડ્યુટી બાદ ઘરે મળવા બોલાવી હતી. કંપનીએ વધુમાં કહ્યું કે, સ્પાઈસજેટ તેની મહિલા કર્મચારીની જાતીય સતામણીનાં આ મામલામાં તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
11 જુલાઈએ વહેલી સવારે જયપુર એરપોર્ટ પર સ્પાઈસજેટની એક મહિલા કર્મચારી અનુરાધા રાણીએ એરપોર્ટની સુરક્ષામાં તહેનાત CISFના ASI ગિરિરાજ પ્રસાદને ફટ કરતો એક લાફો ઝીંકી દીધો હતો. ગિરિરાજનું કહેવું છે કે મહિલા પાસે માન્ય કાર્ડ નહોતું તેમ છતાં પણ તે અંદર જવાનો પ્રયાસ કરતી હતી. અટકાવાતાં તેણે મને લાફો માર્યો. CISF જવાનની ફરિયાદને આધારે આરોપી મહિલા અનુરાધા રાનીની ધરપકડ કરવામાં આવી હતી.