બોલિવૂડ એક્ટર રીતિક રોશન તથા તેની પૂર્વ પત્ની સુઝાન ખાન વચ્ચે સારી મિત્રતા છે. ડિવોર્સ બાદ પણ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંને હંમેશા એકબીજાને સપોર્ટ કરતાં રહે છે. બંને બાળકોનું પૂરું ધ્યાન રાખે છે અને બાળકોને લઈ ફરવા પણ જાય છે. હવે, રીતિકે પૂર્વ પત્ની સાથે કેવા સંબંધો છે, તે અંગે વાત કરી હતી.
રીતિક-સુઝાન ડિવોર્સ બાદ પણ એકબીજાને સાથ આપે છે
1. શું કહ્યું રીતિકે?
રીતિક રોશને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘આ એક સુંદર સંબંધ છે. અમારા બાળકો સાથે, મિત્ર તરીકે સારા સંબંધ છે. એક વાત નક્કી છે કે પ્રેમ ક્યારેય નફરતમાં બદલાઈ શકે નહીં. જો આ નફરત છે તો ક્યારેય પ્રેમ હતો જ નહીં. પ્રેમનું બીજું પાસું પણ પ્રેમ જ છે. એકવાર તમે આ વાત સમજી જાવ પછી તમે પ્રેમમાં પરત આવવાના રસ્તાઓ શોધો છો.’
2. સુઝાને હાલમાં જ રોશન પરિવારનો સપોર્ટ કર્યો હતો
નોંધનીય છે કે થોડાં સમય પહેલાં જ રીતિકની બહેન સુનૈનાએ પરિવારની વિરૂદ્ધમાં અનેક વાતો કહી હતી. આ સમયે સુઝાને રોશન પરિવારનો સપોર્ટ કર્યો હતો. સુઝાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, ‘મારા અનુભવના આધારે તથા મારા જીવનનો એક હિસ્સો આ પરિવારની ઘણી જ નજીક હોવાને કારણે હું સુનૈનાને ઘણી જ પ્રેમાળ, કૅરિંગ વ્યક્તિ તરીકે ઓળખું છું, જે હાલમાં દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં છે. સુનૈનાના પિતા હાલમાં બીમારીમાંથી પસાર થઈ રહ્યાં છે. આવામાં મહેરબાની કરીને પરિવારના આ મુશ્કેલ સમયમાં તેમનું સન્માન કરો. દરેક પરિવાર આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. મારે આ કહેવાની જરૂર પડી કારણ કે હું લાંબા સમયથી આ પરિવારનો હિસ્સો રહી છું’
3. સુઝાને પણ રીતિકને લઈ આ વાત કહી હતી
એક ઈન્ટરવ્યૂમાં સુઝાને પણ રીતિક સાથેના સંબંધો અંગે વાત કરતાં કહ્યું હતું, ‘હવે અમે કપલ નથી પરંતુ સારા મિત્રો છીએ. રીતિકમાં મને મારી સપોર્ટ સિસ્ટમ દેખાય છે. આ સંબંધ ઘણો જ પવિત્ર છે. આ મને દુઃખી કે એકલતા ફીલ કરાવવા દેતો નથી. મારા બાળકો સરળતાથી એડજસ્ટ થઈ જાય છે. તેઓ વસ્તુ ઓર્ગેનાઈઝ રાખે છે. હવે અમે સાથે આવી શકીએ તેમ નથી પરંતુ જરૂર પડે એકબીજાને સાથ આપી શકીએ છીએ’
4. વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં
ઉલ્લેખનીય છે કે સુઝાન તથા રીતિકે વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં અને 2014માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. અલગ થયા બાદ પણ સુઝાન તથા રીતિક અવાર-નવાર સાથે જોવા મળે છે.