હળવદ ની બજારમાં દુકાનોમાં ભારે ભીડ : સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ

0
0
તંત્ર અને વેપારીઓ જો તકેદારી નહિ રાખે તો હળવદમાં કોરોનાની એન્ટ્રી થતા વાર નહિ લાગે!
હળવદ : હળવદ શહેરમાં ખાસ કરીને કટલેરી-સોની અને કપડાંની દુકાનોમાં ભારે ભીડ ઉમટી પડે છે.જેથી સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. જોકે દુકાનોએ આવતા ગ્રાહકો માસ્ક પણ પહેરતા નથી અને દુકાનોમાં સેનીટાઈઝર ની વ્યવસ્થા નથી. જે રીતે ગ્રીન ઝોન જિલ્લામાં કોરોના રી-એન્ટ્રી થઈ છે. તે જોતા એવું લાગે છે કે કોઈપણ પ્રકારની ગફલત જરાય પરવડે એમ નથી. જો તંત્ર વેપારીઓની સાથે લોકો પણ જાગૃત રહીને તકેદારી નહિ રાખે તો હળવદમાં કોરોનાની એન્ટ્રી થતા વાર નહિ લાગે એ ન ભુલવુ જોઈએ.
હળવદ પંથકમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. હળવદ કોરોના મુક્ત હોવાથી દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ આપવામાં આવી છે. એ પણ શરતોને આધીન. પણ દુકાનોમાં શરતોનું પાલન થાય છે કે કેમ તે જોવાની તંત્રની જવાબદારી છે. પણ હળવદ શહેરની બિન્દાસ્ત રહેણીકરણી જોઈને એવું લાગે છે કે તંત્ર પોતાની જવાબદારી ભૂલી ગયું છે. સાથોસાથ વેપારીઓ પણ ભારે લાપરવાહી દાખવી રહ્યા છે અને લોકો પણ જાણે કોરોના સામે જંગ જીતી ગયા હોય તેવું માનીને બિન્દાસ્ત રીતે હરીફરી રહ્યા છે. આ તમામની લાપરવાહી ભારે પડે એમ છે. કારણ કે જે રીતે ગ્રીન ઝોન મોરબી જિલ્લાના વાંકાનેરમાં કોરોનાની ગઈકાલે એન્ટ્રી થઈ તે રીતે હળવદ શહેર ગંભીરતા નહિ દાખવે તો વાંકાનેર જેવી જ હળવદની સ્થિતિ સર્જાશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
હળવદ શહેરમાં દુકાનો ખુલતાંની સાથે અગાઉની જેમ જ લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. ખાસ કરીને સોનીઓની દુકાને ,કટલેરી અને કપડાંની દુકાનોમાં વેપારીઓ મનફાવે તે રીતે ગ્રાહકોની પોતાની દુકાનોમાં ભીડ કરે છે.જેમાં લોકોએ માસ્ક પણ પહેર્યા હોતા નથી અને દુકાનોમાં સેનીટાઇઝરની પણ વ્યવસ્થા હોતી નથી. આ સ્થિતિ હળવદ શહેર માટે જોખમી છે કારણકે બહારથી અનેક લોકો હળવદમાં આવ્યા છે. જેમાંથી ઘણાના ટેસ્ટીગ પણ થયા નથી અને તેઓ મુક્તરીતે હરેફરે છે. હળવદ શહેરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. એટલે કોરોના સામે જંગ જીતી ગયા એવું માની લેવું નરી મુર્ખતા છે. કોરોના સામે હજુ પણ મોટી લડાઈ લડવાની બાકી છે એટલે જરાય બેફિકરાય પરવડે એમ નથી. પણ ગંભીરતા રાખવાને બદલે હળવદ શહેરમાં લોકો બેફિકર જ હોય એમ વર્તી રહ્યા છે. જો તંત્ર, વેપારીઓ અને લોકો શાનમાં સમજીને જરૂરી જાગૃતિ અને તકેદારી નહિ રાખે તો હળવદ શહેરને કોરોના પડકારને પહોંચી વળવું કઠિન બનશે. તે હકીકત છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here