સુરત : સારવાર કરાવી છતાં પત્નીનું વજન ન ઉતરતા પતિનો તબીબ પર હુમલો.

0
6

કતારગામમાં ડભોલી ચાર રસ્તા પાસે શાયોનો ક્લિનિકના તબીબ પર દર્દીના પતિએ આરીથી હુમલો કરીને હત્યાની કોશિશ કરીને 1500 રૂપિયા અને ફોન લૂંટીને નાસી ગયો હતો. ગજેરા સ્કુલ પાસે કૈલાશનગર સોસાયટીમાં રહેતો મનોજ દુધાતરા શિક્ષક છે. તેની પત્ની પાયલને વજન ઉતારવાનું હોવાથી ડભોલીમાં આવેલ શાયોના ક્લિનિકમાં ડો.અજય નરસિંહ મોરડિયા(32 વર્ષ.) (રહે. સરીતા કો હાઉસિંગ સોસાયટી,કતારગામ) પાસે છેલ્લા દોઢેક મહિનાથી સારવાર ચાલતી હતી. પાયલની તબીયત ઉતરી નહતી.

મંગળવારે બપોરે મનોજ પોતે દર્દી બનીને વજન ઉતારવા માટે ડો.અજય પાસે આવ્યો હતો. ડો.અજયે વજન ઉતરી જશે એવું વિશ્વાસથી કહ્યું હતું. તે સમયે મનોજે ઉશ્કેરાઈને મારી પત્નીની વજન ઉતારવાની સારવાર બરાબર કરી નથી તેથી તારે પૈસા પાછા આપવા પડશે,જો રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. તબીબે રૂપિયા ન આપતા મનોજે તેના ગળા પર આરીથી ઘા કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી.

મારી પત્નીને કોઈ ફેર પડ્યો નથી અને તેના પૈસા પાછા આપે છે કે નહીં કહીને મનોજ તબીબનો ફોન અને પર્સ લઇને નાસી ગયો હતો. પર્સમાં 1500 રૂપિયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ દોડી ગઇ હતી. ડો.અજયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત હાલ સુધારા પર છે. કતારગામ પોલીસે આરોપી મનોજને ડિટેઇન કરી લીધો છે. ડૉ.અજય એમબીબીએસ તબીબ છે અને હાલ તે હર્બલ પ્રોડક્ટ વેચે છે.