સુરત : પલસાણાના તાંતીઝગડા ગામે પતિએ પત્નીને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી

0
11

સુરતઃ જિલ્લાના પલસાણાના તાંતીઝગડા ગામે ખેતરની બંગલીમાં રહી ખેતી કામ કરતા ખેતમજૂર દંપતી વચ્ચે સામાન્ય ઝઘડાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. પતિ ઉશ્કેરાઈને પત્નીને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી હતી. ત્યારબાદ ખેડૂતના ઘરે જઇ પત્નીનું મોત થયું છે, અંતિમક્રીયા વિધિ માટે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ખેડૂત બહાર હોવાથી બાજુમાં રહેતા યુવાનને સ્થળ પર જઇ સ્થિતિ જાણી રૂપિયા આપવાનું કહ્યું હતું. 2 યુવાનો સ્થળ પર મહિલાના માથામાં લોહી જોતા શંકાસ્પદ લાગ્યું હતું. તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થળ પર આવેલી પોલીસે હાજર બાળકોને પૂછતાં મમ્મીના માથામાં પપ્પાએ લાકડાનો સપાટો માર્યો હોવાનું જણાવતા મોત અંગેની સાચી હકીકત બહાર આવતા પોલીસે પતિની ધડપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

લાકડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી

મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના તાંતીઝગડા ગામે રહેતા ભીખુભાઇ મોહનભાઇ પટેલનું ગામમાં બ્લોક નંબર 133 વાળા ખેતરની બંગલીમાં છેલ્લા 4 વર્ષથી ખાલપભાઈ છોટુભાઈ રાઠોડ, પત્ની રેખાબેન રાઠોડ અને ત્રણ બાળકો સાથે રહી ખેતમજૂરી કામ કરે છે. ગત રોજ ખાલપભાઈ અને તેની પત્ની રેખા વચ્ચે અન્ય કોઇ કારણોસર ઝઘડો થયો હતો. જે ઝઘડામાં ખાલપભાઈએ રેખાબેનને માર માર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને બાજુમાં પડેલો લાકડાના ફટકો પત્ની રેખાબેનના માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી.

અંતિમવિધી માટે રૂપિયા માંગવા જતા જાણ થઈ

ખાલપભાઈ ખેડૂત ભીખુભાઈના ઘરે ગયા હતાં. જોકે, ખેડૂત વીરપુર ખાતે જલારામ મંદિર ગયા હોવાથી તેમની પત્ની ઘરે હાજર હતી. જેને મળી ખાલપભાઈએ પોતાની પત્ની રેખાનું મૃત્યુ થયું છે અને તેની અંતિમક્રીયાની વિધિ માટે રૂપિયાની માંગણી કરી હતી. ખેડૂતની પત્નીએ ફોન કરીને હકીકત જણાવી હતી. જેથી ભીખુભાઇએ પોતાના ગામના ફેનીલભાઈ નટવરભાઈ પટેલને ફોન કરીને પોતાના ખેતરે જઈ ખાલપભાઈને રૂપિયા આપવા તેમજ હકીકત શું છે તે તપાસ કરવા જણાવ્યું હતું. ફેનીલભાઈ પટેલ તેના મિત્ર ઉજાસ રમેશભાઈ પટેલને લઇ ભીખુભાઇના ખેતરે આવ્યા અને ખાલપની પત્નીની લાશ પડેલી જોઈ હતી. માથાના ભાગેથી લોહી વહેતુ જોતાં કઈક અજુકતું બન્યાની શંકા ગઇ હતી. ત્યારબાદ ઘટના અંગે પલસાણા પોલીસને જાણ કરી હતી.

FSLની મદદથી પુરાવા એકત્ર કરી પતિની ધરપકડ

પોલીસે સ્થળ પર આવી રેખાબહેનના મોત અંગે તેના ત્રણ બાળકોને પૂછતાં બાળકોએ રડતા રડતા સમગ્ર ઝઘડાની હકીકત જણાવી હતી. ખાલપભાઈએ આવેશમાં રેખાબેનને માથામાં લાકડાનો ફટકો મારી મોતના ઘાટ ઉતારી હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા પોલીસે એફ.એસ.એલ.ની મદદથી ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી અને ખાલપભાઈની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

3 બાળકોએ પોલીસને કહ્યું, લાકડાથી માર્યું હતું

દંપતીના 3 બાળકોએ રડતા રડતા પોલીસને જણાવ્યું હતું કે, મમ્મી પપ્પા લડતા હતા. પપ્પાએ મમ્મીને માર્યું અને પપ્પાએ મમ્મીને લાકડાથી માથામાં માર્યું જે નિવેદનના આધારે પોલીસે મૃતકના પતિની પૂછપરછ હાથ ધરી છે.

માથામાં લોહી દેખાતા શંકા ગઇ

ભીખુભાઈના મિત્ર ફેનિલ પટેલે જણાવ્યું હતું કે, મને ભીખુભાઇનો ફોન આવ્યો હતો. જેથી હું મિત્ર ઉજાસ સાથે બાઈક લઈ ખેતરની બંગલીએ ગયો હતો. ત્યાં ખાલપને તેની પત્નીના મૃતદેહની બાજુમાં બેસેલો જોયો હતો. તેની પત્નીના માથામાં લોહીના ડાઘ દેખાતા અમને શંકા ગઈ હતી અને અમે પોલીસને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here