હૈદરાબાદે ચેન્નાઈને 7 રને હરાવ્યું : સુપર કિંગ્સ સામે સનરાઇઝર્સ બીજીવાર ટાર્ગેટ ડિફેન્ડ કરીને જીત્યું.

0
0

IPLની 13મી સીઝનની 14મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપરકિંગ્સને 7 રને હરાવ્યું છે. હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરતા 165 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નાઈ 5 વિકેટે 157 રન જ કરી શક્યું. તેમના માટે રવિન્દ્ર જાડેજાએ 50 અને મહેન્દ્રસિંહ ધોનીએ 47 રન કર્યા. ​​​​​​હૈદરાબાદ IPLમાં બીજીવાર ચેન્નાઈ સામે ટાર્ગેટ ડિફેન્ડ કરતા મેચ જીત્યું છે. આ પહેલા 2015માં હૈદરાબાદે ચેન્નાઈને ટાર્ગેટ આપ્યા બાદ 22 રને મેચ જીતી હતી. ચેન્નાઈ આ સીઝનમાં સતત ત્રીજી મેચ હાર્યું છે. જીતનો હીરો યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ રહ્યો છે.

ધોની-જાડેજાની 72 રનની પાર્ટનરશિપ

એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ પાંચમી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. જાડેજાએ 35 બોલમાં 50 રન બનાવ્યા. જ્યારે ધોની 47 રને અણનમ રહ્યો. આ બંને સિવાય ફાફ ડુ પ્લેસીસે 22 રન કર્યા. બાકીના બેટ્સમેનોએ ટીમને નિરાશ કર્યા.

ધોની છઠ્ઠી વાર અણનમ રહ્યો પણ ટીમ જીતી ન શકી

ચેન્નાઈનો કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અણનમ પેવેલિયન પરત ફર્યો, પરંતુ ટીમને જીતાડી શક્યો નહીં. આ સીઝનમાં બીજીવાર અને લીગમાં છઠ્ઠી વાર ધોની અણનમ રહ્યો પણ ટીમને મેચ જીતાડી શક્યો નહીં. આ પહેલા તે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહમાં 29 રને નોટઆઉટ રહ્યો હતો. પરંતુ ચેન્નાઈ જીતી શકી નહોતી.

IPLમાં 174 મેચ રમ્યા પછી જાડેજાએ ફિફટી મારી

રવિન્દ્ર જાડેજાએ કોઈપણ લેવલે T-20 ક્રિકેટમાં પ્રથમ ફિફટી મારી. આ તેની IPLની 174મી અને કુલ T-20માં 241મી મેચ હતી. અત્યાર સુધી તેના નામે IPLમાં એકપણ ફિફટી ફટકાર્યા વગર સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ હતો. તેણે 35 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 50 રન કર્યા.

IPLમાં જાડેજાનો હાઈએસ્ટ સ્કોર:

  • 50* vs હૈદરાબાદ, દુબઈ 2020
  • 48 vs ડેક્કન, વિશાખાપટ્ટનમ 2012
  • 47 vs પુણે, મુંબઈ, 2011
  • 44 vs પુણે, પુણે, 2012

ચેન્નાઈએ 10 ઓવરમાં સીઝનનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો

ચેન્નાઈએ શરૂઆતની 10 ઓવરમાં સીઝનનો સૌથી ઓછો સ્કોર કર્યો. તેમણે 10 ઓવરમાં 4 વિકેટે 44 રન બનાવ્યા. આ પહેલા પણ ચેન્નાઈએ આ મેદાન પર દિલ્હી કેપિટલ્સ સામે 10 ઓવરમાં 3 વિકેટે 47 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હીએ દુબઈમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 3 વિકેટે 49 રન બનાવ્યા હતા.

36 રનમાં ચેન્નાઈના ટોપ-3 પેવેલિયન ભેગા થયા

શેન વોટ્સન ભુવનેશ્વર કુમારની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 6 બોલમાં 1 રન કર્યો હતો. તે પછી અંબાતી રાયુડુ નટરાજનની બોલિંગમાં 8 રને બોલ્ડ થયો હતો. જ્યારે મેન ઈન ફોર્મ ફાફ ડુ પ્લેસીસ પ્રિયમ ગર્ગ/બેરસ્ટો દ્વારા રનઆઉટ થયો હતો. તેણે 19 બોલમાં 4 ફોરની મદદથી 22 રન કર્યા હતા. ચેન્નાઈએ પાવરપ્લેમાં 3 વિકેટ 36 રન કર્યા.

ગર્ગે 23 બોલમાં ફિફટી મારી, અભિષેક સાથે 77 રનની ભાગીદારી કરી

સનરાઇઝર્સ હૈદરાબાદે દુબઈ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યા બાદ હૈદરાબાદે 69 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ યુવા પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માએ પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. ગર્ગે લીગમાં પોતાની પહેલી ફિફટી ફટકારતા 26 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 51 રન કર્યા હતા. જ્યારે શર્માએ 24 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઈ માટે દિપક ચહરે 2 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને પિયુષ ચાવલાએ 1-1 વિકેટ લીધી.

અભિષેકના 2 કેચ છૂટ્યા

અભિષેક શર્મા 26 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે જાડેજાએ ચહરની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર તેનો સરળ કેચ છોડ્યો. તેમજ કેચ ન થતા ફોર ગઈ હતી. તે પછીના જ બોલે શાર્દુલ ઠાકુરે પણ તેને જીવનદાન આપ્યું.

વોર્નર અને વિલિયમ્સન એક જ ઓવરમાં આઉટ થયા

ડેવિડ વોર્નર 28 રને પિયુષ ચાવલાની બોલિંગમાં લોન્ગ-ઓન પર ફાફ ડુ પ્લેસીસ દ્વારા કેચ આઉટ થયો. તે પછીના બોલે જ કેન વિલિયમ્સન રાયુડુ/ધોની દ્વારા રનઆઉટ થયો. તેણે 13 બોલમાં 9 રન કર્યા હતા.

પાંડેએ 29 રન કર્યા, બેરસ્ટો શૂન્ય રને આઉટ

જોની બેરસ્ટો શૂન્ય રને દિપક ચહરની બોલિંગમાં બોલ્ડ થયો. તે પછી મનીષ પાંડે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડ-ઓફ પર સેમ કરનના હાથે કેચ આઉટ થયો. તેણે 21 બોલમાં 5 ફોરની મદદથી 29 રન કર્યા હતા.

ધોની લીગમાં સૌથી વધુ મેચ રમનાર પ્લેયર બન્યો

એમએસ ધોની IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર પ્લેયર બન્યો છે. આ તેની 194મી મેચ છે, બીજા નંબરે સુરેશ રૈના છે. રૈના લીગમાં 193 મેચ રમ્યો છે.

IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ:

  • 194: એમએસ ધોની
  • 193: સુરેશ રૈના
  • 192: રોહિત શર્મા
  • 185: દિનેશ કાર્તિક
  • 180: વિરાટ કોહલી/ રોબિન ઉથપ્પા

ચેન્નાઈની પ્લેઈંગ 11: એમએસ ધોની(કેપ્ટન અને વિકેટકીપર), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, પિયુષ ચાવલા, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, મનીષ પાંડે, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, ટી નટરાજન અને અભિષેક શર્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here