રોહિતે મૌન તોડ્યું : હિટમેને કહ્યું- હું બેક ટૂ બેક મેચોના કારણે વનડે અને T-20 ટીમનો ભાગ નથી, મારુ ફોકસ ટેસ્ટ પર.

0
7

બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી માં પ્રેક્ટિસ કરી રહેલા ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ IPL પછી પહેલીવાર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, હું અત્યારે ઠીક છું અને ફિટ થવા માટે કોઈ કસર છોડી રહ્યો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી અંગેના વિવાદ પર તેણે કહ્યું કે, ‘હું જાણતો નથી કે લોકો કઈ બાબતે વાત કરી રહ્યા હતા, પરંતુ તમને જણાવી દઉં કે, હું ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે સતત સંપર્કમાં હતો.

હેમ-સ્ટ્રિંગમાં થોડું કામ બાકી હતું, તેથી આરામ કર્યો

તેણે કહ્યું, ‘IPL દરમિયાન હેમ-સ્ટ્રિંગ પર થોડું કામ બાકી હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન 11 દિવસમાં 3 વનડે અને 3 T-20, એમ બેક ટૂ બેક 6 મેચો રમવાની છે. તેથી મેં વિચાર્યું કે IPL પછીના 25 દિવસમાં પોતાને સંપૂર્ણપણે ફિટ કરી લઉં, જેથી ટેસ્ટ રમી શકું. મારા માટે આ નિર્ણય સરળ હતો, ખબર નહીં અન્ય લોકો માટે કેમ અઘરો થઇ ગયો.

MI ને કહ્યું કે, હું રમી શકું છું

રોહિતે કહ્યું, ‘મેં MI ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે હું રમી શકું છું, કારણ કે આ સૌથી ટૂંકું ફોર્મેટ છે. હું જાણતો હતો કે હું મેદાનમાં પરિસ્થતિઓનો સારી રીતે સામનો કરીશ. એકવાર મેં નક્કી કરી લીધું, પછી માત્ર તે વસ્તુ પર ફોકસ કરવાની જરૂર હતી, જે હું કરવા માગતો હતો.

ટેસ્ટ સિરીઝ પહેલા ફિટ થવા માગુ છું

રોહિતે કહ્યું, ‘હવે હેમ-સ્ટ્રિંગ એકદમ બરાબર છે. મેં તેને વધુ મજબૂત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. હું ટેસ્ટ સીરિઝ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થવા માગુ છું. તેથી જ અત્યારે NCAમાં છું. મારા માટે એ ચિંતાનો વિષય નથી કે મારા વિશે શું વાતો થઇ રહી છે. હું આ બધી બાબતો પર ધ્યાન આપતો નથી.

MI ને કહ્યું હતું કે, ફિટ નહીં થાઉં તો પ્લેઓફ નહીં રમું

રોહિતે કહ્યું કે, હેમ-સ્ટ્રિંગથી ઈજાગ્રસ્ત થયા પછી આગામી 10 દિવસ મેં માત્ર તેને ઠીક કરવા પર વિચાર કર્યો. મને ફિઝિયોએ કહ્યું હતું કે, તમે ત્યાં સુધી મેદાન પર નથી જઈ શકતા જ્યાં સુધી ખબર નથી પડતી કે તમારું શરીર કઈ રીતે કામ કરે છે. જોકે, દરેક દિવસે હેમ-સ્ટ્રિંગની પરિસ્થતિ બદલતી રહી. હું કોન્ફિડન્ટ હતો કે હું રમી શકીશ. મેં મુંબઈ ઇન્ડિયન્સને પણ કહ્યું હતું કે, હું પ્લેઓફ પહેલા ફિટ થઇ જઈશ. જો ફિટ નહીં થાઉં તો પ્લેઓફમાં નહીં રમું.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ ન થતા લઈને વિવાદ થયો હતો

તમને જણાવી દઈએ કે, ઇજાને કારણે રોહિત મુંબઈ માટે કેટલીક મેચો રમી શક્યો નહોતો. આ પછી, તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જોકે, તેણે IPL પ્લે-ઓફમાં વાપસી કરી હતી અને ફાઈનલમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. થોડા દિવસ પછી, BCCIએ તેને ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં સ્થાન આપ્યું. કેટલા દિગ્ગજ ક્રિકેટર્સ અને સોશિયલ મીડિયા યુઝર્સે રોહિત અને BCCI પર નિશાન સાધ્યું હતું.

સૌરવ ગાંગુલીએ ટ્રોલર્સને ફટકાર લગાવી

આ પછી, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, રોહિત અત્યારે 70% ફીટ છે. તેમને સંપૂર્ણ રીતે ફિટ થવાની જરૂર છે. તેમણે ટ્રોલર્સ પર નિશાન સાધતા કહ્યું હતું કે માહિતી વિના કંઈપણ કહેવું યોગ્ય નથી.