રાજ ઠાકરે સાથે મારી કોઈ ગુપ્ત મુલાકાત નથી થઈ : ફડણવીસ

0
18

મારી અને રાજ ઠાકરેની કોઈ પણ મુલાકાત થઈ નથી. હાલના સમયમાં મનસે સાથે યુતિ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી એવું ફડણવીસે બે દિવસ પહેલાં રાજ ઠાકરે સાથે થયેલી ગુપ્ત મુલાકાતને કારણે નવાં રાજકીય સમીકરણોના સંકેતના જવાબમાં સ્પષ્ટ કર્યું હતું. જોકે શિવસેના કટ્ટર હિન્દુત્વવાદને છોડીને સેક્યુલર થઈ ગઈ હોવાથી મનસેને સારી તક છે એવું પણ તેમણે જણાવ્યું હતું.

અમે ભલે કટ્ટર હિન્દુત્વવાદી ન હોઈએ, પણ હિન્દુત્વવાદી છીએ. બીજેપી રાષ્ટ્રીય પક્ષ છે. મનસેની પરપ્રાંતીય ભૂમિકાને જોતાં એને સાથે રાખવા માટે અડચણ થઈ રહી છે. જોકે ભવિષ્યમાં જો મનસે પોતાની ભૂમિકા બદલશે તો અમે વિચાર કરીશું. શિવસેનાએ સાથ છોડ્યા પછી બીજેપીએ મનસેને સાથે રાખવાની હિલચાલ શરૂ કરી છે. એ દૃષ્ટિએ જ રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની ગુપ્ત મુલાકાત થઈ હતી એવી ચર્ચા હતી. જોકે ફડણવીસે એવી કોઈ પણ મુલાકાત થઈ હોવાની વાતને નકારી હતી. અમે ક્યાંય પણ મળ્યા નથી. અમારી મુલાકાતના સમાચાર ભૂલભરેલા છે એવું પણ તેમણે જણાવ્યું હતું. શિવસેના હવે હિન્દુત્વ છોડીને સેક્યુલર થઈ ગઈ હોવાથી મનસેને હવે સારી તક છે.

શિવસેના અગાઉ કટ્ટર હિન્દુત્વવાદી હતી. શિવસેનાએ કૉન્ગ્રેસ-એનસીપી સાથે યુતિ સાધી લેતાં હવે એ પણ સેક્યુલર થઈ ગઈ છે. મનસે જો કટ્ટર હિન્દુત્વવાદી ભૂમિકા હાથ ધરશે તો તેને લાભ થશે એવું પણ ફડણવીસે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here