પાકિસ્તાન ટીમનો કોચ બન્યા પછી આપીશ આનો જવાબ: રોહિત શર્મા

0
0

બરાબર એક વર્ષ અગાઉ 2019ની 16મી જૂને ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માએ પાકિસ્તાન સામેની વર્લ્ડ કપની ક્રિકેટ મેચમાં ઝંઝાવાતી સદી ફટકારી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના એક પત્રકારે રોહિત શર્માને પ્રશ્ન કર્યો હતો કે તમે એક ઓપનર તરીકે અને એક ક્રિકેટર તરીકે પાકિસ્તાની બેટ્સમેનને સંકટમાંથી બહાર લાવવા માટે શું સલાહ આપવાનું પસંદ કરશો. ભારતીય બેટ્સમેને દિલ જીતી લેનારો જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે જો હું ભવિષ્યમાં ક્યારેય પાકિસ્તાનની ટીમનો કોચ બનીશ તો ત્યારે આ સવાલનો જવાબ આપીશ. હાલમાં તો હું કાંઈ કહી શકું નહીં.

ભારતે 89 રને મેચ જીતી લીધી હતી

માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ભારત માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવીને 50 ઓવરમાં 336 રનનો સ્કોર ખડકવામાં ટીમને મદદ કરી હતી. જોકે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરે તે અગાઉ વરસાદને કારણે તેમનો ટારગેટ 40 ઓવરમાં 302 રનનો થઈ ગયો હતો. આમ છતાં ભારતે 89 રનથી મેચ જીતી લીઘી હતી. પાકિસ્તાન માત્ર 212 રન કરી શક્યું હતું.

રોહિત શર્માએ 113 બોલમાં જ ફટકાર્યા હતા 140 રન

રોહિત શર્માએ એ મેચમાં 113 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 140 રન ફટકાર્યા હતા. તેણે લોકેશ રાહુલ સાથે મળીને પહેલી વિકેટ માટે 136 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે 57 રન ફટકાર્યા હતા. તે આઉટ થયો ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો અને તેણે પણ પાકિસ્તાનની કંગાળ બોલિંગનો લાભ ઉઠાવીને 65 બોલમાં 77 રન ફટકારી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here