Thursday, October 28, 2021
Homeકોઈ મહામારીએ સંપૂર્ણ સામ્રાજ્યને ખતમ કરી નાંખ્યુ તો કોઈએ અમેરિકાની 90% વસ્તીનો...
Array

કોઈ મહામારીએ સંપૂર્ણ સામ્રાજ્યને ખતમ કરી નાંખ્યુ તો કોઈએ અમેરિકાની 90% વસ્તીનો નાશ કર્યો

ગયા વર્ષના નવેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં એક અલગ પ્રકારના ફ્લૂનો ફેલાવો થયો હતો. આજથી એક વર્ષ અગાઉ 31 ડિસેમ્બર 2019ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)એ તેને ન્યુમોનિયા તરીકે ગણાવ્યો હતો. આ વાઈરલ ન્યુમોનિયા આપણી સૌની વચ્ચે કોવિડ-19 સ્વરૂપમાં પહોંચ્યો. ત્રણ મહિના બાદ 11 માર્ચના રોજ WHOએ તેને મહામારી જાહેર કરી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં 18 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી 1.5 લાખ ભારતીયનો સમાવેશ થાય છે.

વર્ષ 2020ને આપણે સૌ અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ માની છીએ, પણ હકીકત એ છે કે માનવીના હજારો વર્ષના ઈતિહાસમાં એવા અનેક વર્ષો પસાર થયા છે કે જેમાં કોઈને કોઈ મહામારી ફેલાઈ છે અને કરોડો લોકોને ભરખી ગઈ છે. જસ્ટિનિયન પ્લેગે આશરે 1500 વર્ષ અગાઉ એક સામ્રાજ્યને જ ખતમ કરી નાંખ્યુ હતું. જ્યારે 15મી સદીમાં શીતળા એ અમેરિકાની 90 ટકા વસ્તીને જ મારી નાંખી હતી.

આશરે 100 વર્ષ અગાઉ સ્પેનિશ ફ્લૂને લીધે 5 કરોડથી વધારે લોકોના મૃત્યુ થયા હતા.

1. એંટોનિયન પ્લેગ- વર્ષઃ 165…

રોમમાં ફેલાયેલી બીમારીથી રાજા સહિત 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા

ઈતિહાસમાં જઈએ તો વર્ષ 165માં પ્રથમ વખત કોઈ મહામારી ફેલાઈ હતી. તેને એન્ટોનિયા પ્લેગ નામ આપવામાં આવે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે રોમનું સૈન્ય જ્યારે મેસોપોટામિયાથી પરત ફર્યું તો તેની સાથે આ સંક્રમણ રોમમાં આવ્યું હતું. તેને લીધે દરરોજ 2 હજાર લોકો જીવ ગુમાવતા હતા. 169માં આ સંક્રમણથી રોમન સમ્રાટ લુસિયસ વેરસનું મૃત્યુ થયુ હતું. તે સમયે આ મહામારીને લીધે 50 લાખ જેટલા લોકોના મૃત્યુ થયા હતા.

2. જસ્ટિનિયન પ્લેગ-વર્ષઃ 541…

આ મહામારીએ વિશ્વની અડધા જેટલી વસ્તીનો જીવ લીધો હતો

એંટોનિયન પ્લેગ બાદ જે મહામારી ફેલાઈ તેનું નામ-જસ્ટિનિયન પ્લેગ. આ મહામારી વર્ષ 541માં એશિયા, ઉત્તર આફ્રિકા, આરબ અને યુરોપમાં ફેલાઈ હતી. જોકે તેની સૌથી વધારે અસર પૂર્વી રોમન સામ્રાજ્ય બાઈજેન્ટાઈન પર થઈ હતી. આ મહામારીને લીધે 5 કરોડ લોકોના જીવ ગયા હતા. તે સમયે વિશ્વની કુલ વસ્તીનો તે અડધો ભાગ હતી. આ બીમારી એટલી ખતરનાક હતી કે તેને બાઈજેંટાઈન સામ્રાજ્યને જ ખતમ કરી નાંખ્યુ હતું.

3. ધ બ્લેક ડેથ- વર્ષઃ 1347-1351…

યુરોપમાં એટલા લોકો મર્યા કે એટલી વસ્તી થવામાં 200 વર્ષનો સમય લાગ્યો

વર્ષ 1347થી 1351 વચ્ચે ફરી એક વખત પ્લેગ ફેલાયો. તેને બ્યૂબોનિક પ્લેગ નામ આપવામાં આવ્યું. તેની સૌથી વધારે અસર યુરોપ અને એશિયામાં થઈ. તે સમયે મોટાભાગનો કારોબાર સમુદ્રી માર્ગે જ થતો હતો. સમુદ્રી જહાજો પર ઉંદરો મોટી સંખ્યામાં રહેતા હતા. આ ઉંદરોથી માખીઓ મારફતે આ બીમારી ફેલાઈ હતી. આ બીમારીથી તે સમયે 20 કરોડ લોકો માર્યા ગયા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે આ બીમારીથી યુરોપમાં જ એટલી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા કે તેને વર્ષ 1347 અગાઉની વસ્તીના સ્તર સુધી પહોંચવામાં 200 વર્ષનો સમય લાગ્યો હતો. આ માટે તેને બ્લેક ડેથ પણ કહેવામાં આવે છે. બ્યુબોનિક પ્લેગ અથવા બ્લેક ડેથ આજે પણ ખતમ થયો નથી.

4. સ્મોલપોક્સ (શીતળા )- વર્ષ : 1492…

યુરોપથી આવેલી આ બીમારીએ અમેરિકાના 90 ટકા લોકોનો જીવ લીધો હતો

વર્ષ 1492માં યુરોપિયન્સ અમેરિકા પહોંચ્યા હતા. તેમના આવતાની સાથે જ સ્મોલપોક્સ એટલે કે શીતળા નામના સંક્રમણનો ફેલાવો થયો. આ બીમારીથી સંક્રમિત 10 પૈકી 3 લોકોના મોત થતા હતા. તે સમયે તેને લીધે 2 કરોડ અમેરિકનના મૃત્યુ થયા હતા. જે તે સમયે અમેરિકાની કુલ વસ્તીના 90 ટકા હિસ્સો હતો. તેને લીધે યુરોપિયન્સને ઘણો લાભ થયો. તેમને અહીં ખાલી જગ્યા મળી ગઈ અને પોતાની કોલોનીઓ વસાવવાની શરૂઆત કરી. શીતળા રોગ હજુ પણ ખતમ થયો નથી. એક અહેવાલ પ્રમાણે તેને લીધે અત્યાર સુધીમાં 35 કરોડથી વધારે લોકોના મૃત્યુ થયા છે. વર્ષ 1796માં ડોક્ટર એડવર્ડ જેનરે આ બીમારીની વેક્સીન તૈયાર કરી હતી.

5. કોલેરા- વર્ષ : 1817…

એક એવી બીમારી કે જે ભારતમાંથી ઉદભવી હતી અને અમેરિકા-આફ્રિકા સુધી ફેલાઈ

વર્ષ 1817માં વિશ્વમાં કોલેરા નામની બીમારી ફેલાઈ હતી. આ એ બીમારી હતી કે જેનું ભારતમાંથી સર્જન થયુ હતું. આ બીમારી ગંગા નદીના ડેલ્ટા મારફતે એશિયા, યુરોપ, ઉત્તરી અમેરિકા અને આફ્રિકામાં પણ ફેલાઈ હતી. દૂષિત પાણી આ પાણીનું મુખ્ય કારણ હતું. આ બીમારીને લીધે તે સમયે 10 લાખથી વધારે લોકોના મૃત્યુ થયા હતા. WHOના જણાવ્યા પ્રમાણે અત્યારે પણ પ્રત્યેક વર્ષ 13 લાખથી 40 લાખ વચ્ચે આ બીમારીનો ભોગ બને છે. આજે પણ પ્રત્યેક વર્ષ 1.5 લાખ લોકો સુધી આ બીમારીથી મૃત્યુ પામે છે.

6. સ્પેનિશ ફ્લૂ- વર્ષઃ 1918…

5 કરોડ લોકોના જીવ લેનાર ફ્લૂ,ભારતમાં જ 1.7 કરોડ લોકો માર્યા ગયા હતા

વર્ષ 1918માં ફેલાયેલ ફ્લૂની મહામારીને સ્પેનિશ ફ્લૂ પણ કહેવામાં આવે છે. તે છેલ્લા 500 વર્ષના ઈતિહાસમાં સૌથી ખતરનાક મહામારી હતી. આ સાથે એવું માનવામાં આવે છે કે આ મહામારીથી તે સમયે વિશ્વની ત્રીજા ભાગની વસ્તી એટલે કે 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. વિશ્વભરમાં તેને લીધે 5 કરોડથી વધારે મૃત્યુ થયા છે. એકલા ભારતમાં જ તેને લીધે 1.7 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. આ બીમારી એટલી વિચિત્ર હતી કે તેને લીધે સૌથી વધારે મૃત્યુ તંદુરસ્ત લોકોના થયા હતા. સ્પેનિશ ફ્લૂ માટે H1N1વાઈરસ જવાબદાર હતો. આ વાઈરસ આજે પણ આપણી વચ્ચે છે અને પ્રત્યેક વર્ષ માનવીને સંક્રમિત કરે છે.

7. એશિયન ફ્લૂ- વર્ષઃ 1957…

હોંગકોંગમાંથી આવેલી બીમારીએ વિશ્વભરમાં 11 લાખ લોકોના જીવ લીધા

આ બીમારી ફેબ્રુઆરી 1957માં હોંગકોંગમાંથી શરૂ થઈ હતી. કારણ કે બીમારી પૂર્વી એશિયામાંથી નિકળી હતી, આ માટે તેને એશિયા ફ્લૂ કહેવામાં આવે છે. બીમારી H2N2 વાઈરસને લીધે ફેલાઈ હતી. જોકે કેટલાક મહિનામાં તે અનેક દેશોમાં ફેલાઈ ગઈ. તેને લીધે વિશ્વભરમાં 11 લાખથી વધારે લોકો માર્યા ગયા હતા.

8. હોંગકોંગ ફ્લૂ- વર્ષઃ 1968…

આ ચીની ફ્લુએ એવા લોકોને શિકાર બનાવ્યા કે જે અગાઉથી જ બીમાર હતા

13 જુલાઈ 1968ના રોજ ફ્લૂનો પ્રથમ કેસ હોંગકોંગમાં મળ્યો હતો. તેને લીધે તેને હોંગકોંગ ફ્લૂ કહેવામાં આવે છે. કેટલાક જાણકારોનું માનવું છે કે તે ચીનથી હોંગકોંગમાં આવ્યો હતો. આ ફ્લૂ માટે H3N2 વાઈરસ જવાબદાર હતો. કેટલાક મહિનામાં આ વાઈરસ વિયતનામ, સિંગાપોર, ભારત, અમેરિકા અને યુરોપ પહોંચી ગયો.આ વાઈરસથી મૃત્યુ પામાર મોટાભાગના લોકોની ઉંમર 65 વર્ષથી વધારે હતી. તેની ઝપટમાં મોટાભાગે એવા લોકો આવ્યા હતા કે જે અગાઉથી ગંભીર બીમાર હતા. આ બીમારીને લીધે વિશ્વભરમાં 10 લાખથી વધારે લોકોના મૃત્યુ થયા હતા.

9. HIV એઈડ્સ-વર્ષ 1981…

ચિમ્પાજીથી ફેલાઈ બીમારી, આજે પણ પ્રત્યેક વર્ષ લાખો લોકોના જીવ જાય છે

વર્ષ 1981માં HIV વાઈરસ ફેલાયો હતો, જેને હ્યૂમન ઈમ્યુનો ડેફિશિએંસી વાઈરસ પણ કહે છે. આ વાઈરસથી માનવીમાં એઈડ્સ નામની બીમારી ફેલાય છે. આ બીમારી આફ્રિકાના દેશ કોંગોની રાજધાની કિન્શાસાથી શરૂ થઈ હતી. આ બીમારીનું નિર્માણ થવા પાછળનું કારણ 30 વર્ષ બાદ જાણવા મળ્યુ હતું. આ બીમારી ચિમ્પાજીમાંથી માનવીમાં ફેલાઈ છે. કારણ કે તે સમયે કિન્શાસા બુશમીટનું મોટુ બજાર હતું અને અહીંથી આ વાઈરસ માનવીમાં આવ્યો હતો. આ બીમારીથી અત્યાર સુધીમાં 3.5 કરોડથી વધારે જીવ ગયા છે. WHO પ્રમાણે વર્ષ 2019માં એઈડ્સથી આશરે 6.90 લાખ લોકો માર્યા ગયા હતા. આ બીમારીનો કોઈ અસરકારક ઈલાજ મળી શક્યો નથી.

10. સ્વાઈન ફ્લૂ- વર્ષઃ2009…

WHO એ 1 વર્ષમાં જ મહામારીની યાદીમાંથી હટાવી, જોકે આજે પણ જીવલેણ

એપ્રિલ 2009માં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ મેક્સિકોમાંથી સામે આવ્યો હતો. ત્યારબાદ 13 મેના રોજ ભારતમાં પણ સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ આવ્યો હતો. 11 જૂન 2009ના રોજ તેને મહામારી જાહેર કરવામાં આવી હતી. સ્વાઈન ફ્લૂ H1N1 વાઈરસની જગ્યાએ આવ્યો અને આ વાઈરસ સુવરોમાંથી માનવીમાં આવ્યો. ઓગસ્ટ 2010માં WHOએ તેને મહામારી નહીં રહેવાની જાહેરાત કરી હતી. જોકે હજુ પણ આ બીમારી આપણી વચ્ચે છે. સ્વાઈન ફ્લૂથી વિશ્વભરમાં અત્યાર સુધીમાં 5.5 લાખથી વધારે લોકોના મૃત્યુ થયા છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં 44 લોકો તેને સીધે સંક્રમિત થતા મૃત્યુ પામી ચુક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments