રાજ્યસભાનું ‘રમખાણ’ : ભાજપ અનલોક તો કૉંગ્રેસ લોકડાઉનની સ્થિતિમાં આવી ગઈ

0
7

અમદાવાદ. રાજ્યમાં 19 જૂને યોજાનારી 4 રાજ્યસભા બેઠકની ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહી છે, ત્યારે આ પહેલા માર્ચ મહિનામાં રાજ્યસભા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ તે દરમિયાન કોંગ્રેસના 5 ધારાસભ્યએ રાજીનામાં આપી દીધા હતા. જેને પગલે કોંગ્રેસે ધારાસભ્યોને બચાવવા માટે જયપુરના શિવ વિલા રિસોર્ટમાં લઈ ગયા હતા, તે પછી કોરોનાના કારણે આ ચૂંટણી મુલતવી રહી હતી. ત્યારબાદ ફરી રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થતાં જ કૉંગ્રેસના 2 ધારાસભ્ય જે કોરોના પહેલા કોંગ્રેસ સાથે રિસોર્ટમાં રહ્યા હતા તેમણે આજે રાજીનામા આપી કોંગ્રેસ છોડી દીધી છે. આમ કોરોનાના કહેર બાદ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટેની રાજકીય સ્થિતિ બદલાય ગઈ છે. આ રાજકીય ડ્રામાને પગલે ભાજપ અનલોક થઈ ગયો છે તો કોંગ્રેસ લોકડાઉનની સ્થિતિમાં આવી ગઈ છે.

કોંગ્રેસમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું, હજુ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તો મુશ્કેલી

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે વિધાનસભામાં ધારાસભ્યના સંખ્યાબળ પ્રમાણે ત્રણ બેઠકો જીતવા માટે ભાજપ માટે કપરાં ચઢાણ હતા, તે સંજોગોમાં અગાઉ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. જ્યારે આજે કોંગ્રેસના વધુ બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ ધારાસભ્ય પદેથી રાજીનામા ધરી દીધા છે, આ બંને ધારાસભ્ય લોકડાઉન પહેલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે જયપુરના રિસોર્ટમાં જલસા કરીને પાછા આવ્યા હતા અને લોકડાઉન ખુલતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. આ બંને ધારાસભ્યએ કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે, જેથી કોંગ્રેસમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે જો હજુ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તો કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેથી કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી એકવાર રિસોર્ટના રાજકારણ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે.