ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રણટંકાર વાગી રહ્યો છે. ત્યારે ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ શ્રેષ્ઠ પરિણામના વાયદા સાથે આગાળ વધી રહી છે. ચૂંટણીના આગમન પહેલા બેઠકો, જાહેરસસભા, સેન્સ પ્રક્રિયા, આગેવાનોના ગુજરાત પ્રવાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના થરાદમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો તેવું મોટું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસને આગામી ચૂંટણીમાં 125 સીટ મળતી હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં ગુજરાતની જનતા પરિવર્ણન ઈચ્છતી હોવાનું પણ જણાવ્યું હતું. હાલ ખેડૂતો, યુવાનો, મહિલાઑ અને વિદ્યાર્થીઑ હેરાન છે તેમ પણ રઘુ દેસાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળા માટે 500 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જેનો તાત્કાલિક અમલ કરીને રકમની ચુકવણી કરવામા આવે તેવી અંતમાં માંગ ઉઠાવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લગતી કામગીરી શરુ કરાઇ છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજ્યમાં રાજકોટ, પોરબંદર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અરવલ્લી સહિતના વિસ્તારોમાં ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવી રહ્યા છે અને ટિકિટવાંચ્છુકોને સાંભળી કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.