મોદી એ ટ્રમ્પ સાથે આ ડીલ કરી તો ગુજરાતમાં જ થશે જોરદાર વિરોધ, મહેમાન નવાજી બાદ રૂપાણી સરકાર ભરાશે

0
71

અમરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનાં પ્રવાસે આવી રહ્યા છે. પોતાના ભારત પ્રવાસ અંતગર્ત તેઓ અમદાવાદની મુલાકાત પણ લેશે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના ભારત પ્રવાસમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક સમજૂતીઓ થઇ શકે છે. રોયટર્સના અહેવાલ અનુસાર ભારતે અમેરિકા સાથે સંભવિત ટ્રેડ ડીલ માટે ડેરી અને પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં રાહતની ઓફર આપી છે. જે હેઠળ અમેરિકા ભારતમાં ડેરી ઉત્પાદનો આયાત અને નિર્મિત કરશે તો ભારતીય પશુપાલકોને મોટો ફટકો પડવાની સંભાવના છે. હકીકતમાં ભારતને દૂધ ઉત્પાદનો માટે અન્ય કોઈ દેશ પર નિર્ભર રહેવાની જરૂર જ નથી. ભારત ખુદ દૂધની નિકાસ કરી શકે તેટલો સક્ષમ દેશ છે. જો ભારતે અમેરિકા સાથે આ ડિલ કરી તો ગુજરાતમાંથી જ મોદી સરકાર સામે આંદોલનો ચાલુ થવાની પૂરી સંભાવના છે. ટ્રમ્પ ભલે ગુજરાત આવી રહ્યાં હોય પણ આ ડીલનો વિરોધ ગુજરાતમાંથી જ શરૂ થશે કારણ કે દૂધ સેક્ટર સાથે લાખો ગુજરાતી જોડાયા છે. હાલમાં રૂપાણી સરકાર સામે એલઆરડી આંદોલન ચાલું છે. રૂપાણી સરકાર માટે આ આંદોલન ગળાનું હાડકું બની ગયું છે. ટ્રમ્પના આગમન સમયે જ આ વિરોધ આંદોલનને પગલે સરકાર પણ ભરાઈ છે પણ જો મોદીએ ટ્રમ્પ સાથે વેપારની લાલચમાં ડેરી સેક્ટર સંલગ્ન ડીલ કરી તો ગુજરાતના પશુપાલકો રસ્તા પર ઉતરશે. જેમાં ટ્રમ્પની મહેમાન નવાજી કરનાર રૂપાણી સરકાર ફરી ભરાઈ જશે.

ગુજરાત : શ્વેતક્રાંતિનું જનક રાજ્ય

ભારત માટે ગર્વની વાત છે કે ગુજરાત રાજ્યે જ દેશને શ્વેતક્રાંતિની ભેટ આપી છે. આ ગુજરાતની ધરતી પર અમૂલ જેવી સમૃદ્ધ દુગ્ધસંસ્થા થકી વર્ગીસ કુરિયને ભારતમાં શ્વેતક્રાંતિ આણી હતી અને હજુ પણ દૂધ ઉત્પાદનમાં ટોચનું રાજ્ય છે. ડૉ. કુરિયર અને ત્રિભુવનદાસ પટેલ દ્વારા અમૂલની રચના થયા બાદ NDDBના માધ્યમ થકી આપણે ઑપરેશન ફ્લડ કાર્યક્રમો કર્યો તેના કારણે આજે આપણે દૂધમાં સ્વાવલંબી અને આંશિક સરપ્લસ પણ બન્યા છીએ.આણંદમાં અમુલ, મહેસાણામાં દૂધસાગર ડેરી, પાલનપૂરમાં બનાસ ડેરી, હિંમતનગરમાં સાબર ડેરી અને સુરતમાં સુમુલ જેવી ડેરીઓ દૈનિક ધોરણે લાખો લીટર દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન કરે છે.

આમ છતાં નવાઈ તે વાતની છે કે જે ગુજરાત શ્વેતક્રાંતિનું જનક હતું તેજ ધરતી અમદાવાદમાં વિદેશી ડેરીઓ દૂધ અને દૂધ ઉત્પાદકો વેચવા માટે ગુજરાતના જ પુત્ર નરેન્દ્ર મોદી કરાર કરશે.વિશ્વના સૌથી મોટા દૂધ અને દૂધ પ્રોડકટ ઉત્પાદક દેશ, ભારતે દેશના ગ્રામીણ અને ખેતી-પશુપાલન પર નભતા લોકોના ઉદ્ધાર માટે પારંપરિક રીતે વિદેશથી દૂધ અને તેના ઉત્પાદનોના આયાત પર પ્રતિબંધ લાદેલ છે પરંતુ, હવે ભારતને GSP દરજ્જો પાછો મળે અથવા ભારતના વિશ્વ મહાસત્તા અમેરિકા સાથે સંબંધો સારા બને તે હેતુસર વડાપ્રધાન મોદી દેશના અને ખાસ કરીને શ્વેતક્રાંતિની ધરા ગુજરાત પર અમેરિકાને સામે ચાલીને ડેરી પ્રોડકટસનું ભારતમાં નિકાસ કરવાનું આમંત્રણ આપશે.

વિશ્વમાં વર્ગીસ કુરિયનના નેજા હેઠળ થયેલ શ્વેતક્રાંતિની ધરા પર જગત જમાદાર ટ્રમ્પને બોલાવીને ઘરના છોકરા ઘંટી ચારે અને પાડોશીને આટો આપવાનું કામ ગુજરાતના જ સુપુત્ર કહેવાતા વડાપ્રધાન કરી રહ્યાં છે. રોઈટર્સના અહેવાલ અનુસાર 24-25મી તારીખની અમેરિકાના રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની યાત્રા દરમિયાન આ અંગે મહત્વના કરાર થઈ શકે છે. 2019માં ટ્રમ્પે 1970થી ભારતને મળતા વિશિષ્ટ વેપારી મિત્ર દેશના દરજ્જાને ભારત પાસેથી છીનવ્યો હતો. ટ્રમ્પે દલીલ કરી હતી કે ભારત એક વિકસિત નહિ પરંતુ, વિકાસશીલ દેશ છે અને તેના વેપારી સંબંધો અને અમેરિકા સાથેના વ્યવહારને જોતા GSP દરજ્જો દૂર કરવો જરૂરી બન્યો છે.

8 કરોડ લોકોની આજીવિકા સામે પ્રશ્નાર્થ

જો મોદી સરકાર ટ્રેડ ડીલ કરવા માટે દેશની ડેરી અને પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીને અમેરિકા માટે ખોલવાનો ફેંસલોઃ કરે છે તો તેની અસર દેશનાં 8 કરોડ લોકોની આજીવિકા પર પડી શકે છે. હકીકતમાં ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે તેની સાથે 8 કરોડ લોકોની રોજગારી જોડાયેલ છે. જો મોદી સરકાર આ ક્ષેત્રમાં અમેરિકાને નિકાસ પર કોઈ રાહત આપશે તો તેની સીધી અસર ભારતીય દૂધ ઉત્પાદકો અને ડેરી બિઝનેસ પર થઇ શકે છે.

આ સંજોગોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો ભારત સરકાર અમેરિકા માટે પોતાના ડેરી અને પોલ્ટ્રી ક્ષેત્રના દરવાજા ખોલશે તો અમેરિકાની મોટી મોટી કંપનીઓ સામે આપણાં નાના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો હરીફાઈમાં ઘણાં પાછળ ધકેલાઈ શકે છે. જોકે સરકાર હજુ પોતાનાં નિર્ણય પર વિચાર કરી રહી છે અને હજુ સુધી કંઈપણ પણ નક્કી થયું નથી. અહેવાલ અનુસાર મોદી સરકાર ભારતનાં ડેરી ઉદ્યોગમાં પ્રવેશ કરવા માટે અમેરિકાને 5 ટકા ટેરિફ અને ક્વોટા ઓફર કર્યો છે. આ સાથે જ સરકારી સૂત્રોનાં જણાવ્યાં અનુસાર અમેરીકાને ડેરી પ્રોડક્ટનાં આયાતની પણ મંજરી આપવામાં આવી શકે છે.

જોકે તેના માટે સરકારે અમુક શરતો પણ મૂકી છે. આ ઉપરાંત સરકારે અમેરિકાથી ચિકનની આયાત ઉપર પણ ટેક્સમાં રાહત આપવાની ઓફર મૂકી છે. અત્યાર સુધી ચિકન લેગ પર 100 ટકા ટેક્સ લાગતો હતો જેને હવે ઘટાડીને 25 ટકા કરવામાં આવી શકે છે. જોકે અમેરિકાની માંગ છે કે તેને વધુ ઘટાડીને ફક્ત 10 ટકા કરવામાં આવે. જો આ સોદો થશે તો દેશની પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ પર તેની ખરાબ અસરો થશે.

ડીલ થવાની સંભાવના ઓછી

ટ્રમ્પના અમેરિકાની ચૂંટણી પૂર્વેના ભારત પ્રવાસે ફરી વાયરો ફેલાવ્યો હતો કે ટ્રમ્પ ભારતને અમેરિકાના વેપારી મિત્ર તરીકે GSPનો દરજ્જો ફરી પરત આપી શકે છે પરંતુ, આજના એક અહેવાલ અનુસાર અમેરિકાના રેવન્યુ સેક્રેટરી ટ્રમ્પ સાથે આવી રહેલ ડેલિગેશનનો ભાગ નથી. આ કારણે હવે માનવામાં આવી રહ્યું છે કે આ સોદો થવાની સંભાવના ઓછી છે.

ભારત માટે મહત્વનો વેપારી દેશ છે અમેરિકા

યુનાઈટેડ સ્ટેટ્સ ભારત માટે મહત્વનો વેપારી દેશ છે. ચીન બાદ સૌથી વધુ વેપાર ભારત અમેરિક સાથે જ કરે છે. બંને દેશોનો વેપાર 2018ના વર્ષમાં 142.6 અબજ ડોલરના રેકોર્ડ લેવલે પહોંચ્યો હતો. અમેરિકા માટે 2019માં સૌથી વધુ ઈમ્પોર્ટર દેશમાં ભારત નવમા ક્રમે છે અને વધુ આયાતને કારણે ભારત સાથેની વેપાર ખાધ અમેરિકાને 23.2 અબજ ડોલરમાં પડી હતી. અત્રે નોંધનીય છે કે અમેરિકાની વસ્તીના પ્રમાણમાં દૂધ અને દૂધ ઉત્પાદક વસ્તુઓનુ પ્રમાણ વધુ છે. આ માટે તે પોતાના ઉત્પાદનની નિકાસ માટે વિશ્વના દેશો તરફ નજર દોડાવી રહ્યું છે. જેમાં આ વખતે ભારત અડફેટે ચડી ગયું છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકા વાર્ષિક 1.6 અબજ ડોલરના દૂધ ઉત્પાદનોની નિકાસ કરે છે જે વિશ્વ નિકાસમાં 5.6 ટકા જેટલો મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે. આજ રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની વસ્તી ફક્ત 3 કરોડ છે અને દૂધ ઉત્પાદન વધુ છે.ન્યુઝીલેન્ડ વિશ્વમાં સૌથી વધુ 5.5 અબજ ડોલરના દૂધ ઉત્પાદનોની નિકાસ કરે છે જે કુલ વિશ્વવ્યાપારનો 19.3 ટકા જેટલો હિસ્સો છે. સામે ભારતની 125 કરોડની વસ્તીનું મોટું માર્કેટ જોતાં આ દેશો ભારત તરફ ટ્રેડ ડીલ કરવા તરફ વળ્યાં છે.

RCEPમાં ના, અમેરિકાને હા

અત્રે નોંધનીય છે કે આ પ્રસ્તાવ મૂકીને મોદી સરકારે પોતાનું બેવડું વલણ છતું કર્યું છે. કેમ કે થોડા માસ અગાઉ ભારત 16 મુખ્ય દેશોના રીજનલ કોમ્પ્રિહેંસિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (RCEP)માંથી હટી ગયું હતું. હકીકતમાં RCEPમાં સામેલ દેશો કે જેમાં ચીન, ન્યુઝીલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે તેમની વચ્ચે મુક્ત વ્યાપાર માટે બ્લોક સ્થાપિત કરવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો. તે સમયે ભારતે પોતાનાં ઉદ્યોગ અને નાના વેપારીઓના વ્યવસાયની રક્ષા કરવા માટે આ સમજૂતીથી હટી જવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેમાંથી હટી જવાનું મહત્વનું કારણ ડેરી ઉત્પાદન હતું. કેમ કે ન્યુઝીલેન્ડનાં ડેરી પ્રોડક્ટ્સથી મળનારી મજબૂત હરીફાઈને કારણે ભારતના દૂધ ઉત્પાદકો અને ડેરી ઇન્ડસ્ટ્રીઝનું હિત જોખમાતું હતું. હવે આ જ મોદી સરકાર દેશના કરોડો પશુપાલકોનાં હિતની ચિંતા કર્યા વગર આટલો મોટો અને મહત્વનો ઉદ્યોગ અમેરિકાને સોંપવા જઈ રહી છે. આ સંજોગોમાં સવાલ ઉપસ્થિત થાય છે કે આ સોદો થવાથી ભારતીય દૂધ ઉત્પાદકોને ફટકો નહીં પડે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here