દિલ્હીમાં બનેલ નવી સંસદના ઉદ્ઘાટનનો વિવાદ સતત વધી રહ્યો છે. આ દરમિયાન હવે અનેક પક્ષોનાં વિરોધ વચ્ચે હવે PM મોદીનાં સમર્થનમાં પણ અનેક પક્ષો આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી સહિત 19 વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. વિરોધમાં ઊભેલા પક્ષોનું કહેવું છે કે, નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવો. જો તમે તેમના હાથે ઉદ્ઘાટન નહિ કરાવો તો અમે પણ નથી આવવાના. જોકે જ્યાં વિરોધ હોય ત્યાં સમર્થન પણ હોય જ. એવી રીતે દેશની 25 રાજકીય પાર્ટીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ વિરોધ નથી નોંધાવ્યો. તેમાંની એક છે બહુજન સમાજ પાર્ટી.
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આ કાર્યક્રમને ટેકો આપતા એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે વિપક્ષના સમગ્ર વિરોધને દંભ ગણાવ્યો અને કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન ન કરવા બદલ સંસદનો બહિષ્કાર અયોગ્ય છે. જો સરકારે બનાવ્યું હોય તો તેનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર માત્ર સરકારને છે. માયાવતીએ વિપક્ષના એ દાવાને પણ ફગાવી દીધો જેમાં આ મુદ્દાને આદિવાસી મહિલાઓના સન્માન સાથે જોડવામાં આવી રહ્યો હતો. દલીલમાં માયાવતીએ સવાલ કર્યો હતો કે, આદિવાસી મહિલાઓના સન્માનની વાત કરનારા વિપક્ષે ચૂંટણીમાં તેમની સામે ઉમેદવાર કેમ ઉતાર્યા?
નવી સંસદ પર ભાજપ સરકારને ટેકો આપનાર માયાવતીએ પણ તેમના છેલ્લા ટ્વીટમાં કહ્યું હતું કે, તેઓ પાર્ટીની સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત છે, તેથી તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં. આ નિવેદનને વાસ્તવિકતા તરીકે સ્વીકારવાનું મન થતું નથી. કારણ કે, 2017ની ચૂંટણી પછી બહુજન સમાજ પાર્ટીની સ્થિતિ પાર્ટીમાં સમીક્ષા જેવી કોઈ પહેલને અશક્ય બનાવે છે. માયાવતી સમયાંતરે ભાજપની આકરી ટીકા કરતી રહે છે. પરંતુ તેમની નીતિઓ ઘણીવાર ભાજપને ફાયદો કરાવે છે. હવે ફરી એકવાર જ્યારે વિપક્ષ એકત્ર થઈ રહ્યો છે, ત્યારે પણ માયાવતીનો પક્ષ ભાજપની સાથે જોવા મળી રહ્યો છે. જોકે કાર્યક્રમમાં તે નહિ આવે કારણ કે તે પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે સવાલ એ છે કે, કયા પક્ષ માટે અને કોના માટે?