અમદાવાદ : માસ્ક નહીં તો ટેસ્ટની લાઈનમાં ઉભા રાખશે, નેગેટિવ આવે તો 1 હજાર રૂપિયા, પોઝિટિવ આવ્યા તો હોસ્પિટલ ભેગા

0
6

શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે આજે રાત્રે 9થી સોમવાર સવાર 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારથી શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલ મોકલાય છે અને નેગેટિવ આવે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

શહેરમાં ફરતા લોકોને ટેસ્ટ માટે લાઈનમાં ઉભા રાખવામાં આવે છે
(શહેરમાં ફરતા લોકોને ટેસ્ટ માટે લાઈનમાં ઉભા રાખવામાં આવે છે)

 

7 ઝોનમાં 200 ટીમ ચેકિંગ કરશે

7 ઝોનમાં AMCની 200 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને ગંભીરતાથી ન લઇને માસ્ક મામલે બેદરકાર રહેતા લોકોને સીધા કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાસ કાર્યવાહી કરી રહી છે. માસ્ક ન પહેર્યા હોય તેવા તમામ લોકોને રોકીને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રેપિડ ટેસ્ટ દરમિયાન જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે જ્યારે જે લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે તેમને માસ્ક ન પહેરવાનો 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ જે યુનિટમાં માસ્ક પહેરેલા નહીં હોય તેવા યુનિટોને સીલ મારવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાયું હોય તો તેમને દંડ ફટકારવામાં આવશે.

અમદાવાદમાં 6 દિવસથી દરરોજ 200થી વધુ કેસ

અમદાવાદ શહેર-જિલ્લામાં અત્યારસુધીમાં 46,268 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દિવાળી તહેવાર દરમિયાન શહેરના બજારોમાં ભીડ જામી હતી. જેને લઇને 13થી 19 નવેમ્બર સુધી દરરોજ 200થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 7 દિવસમાં અમદાવાદશહેર-જિલ્લામાં 1578 કેસ નોંધાયા છે.