બંગાળ : રાજકારણ : મમતાના મંત્રીએ કહ્યું-ભાજપ ચૂંટણી નહીં જીતી શકે તો મુખ્યમંત્રીની હત્યાનું કાવતરું ઘડી શકે છે.

0
7

પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલાનો મામલો જોર પકડી રહ્યો છે. રાજ્યની મમતા બેનર્જી સરકારમાં મંત્રી સુબ્રત મુખર્જીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુખર્જીએ શનિવારે રાતે કહ્યું કે, નડ્ડાના કાફલા પર હુમલાનું કાવતરું ભાજપના નેતાઓએ જ ઘડ્યું હતું. જો ભાજપ રાજ્યમાં આગામી ચૂંટણી નહીં જીતી શકે તો તે મમતાન હત્યાનું કાવતરું પણ ઘડી શકે છે.

કાવતરાંના સહારે ભાજપ

ભાંગર શહેરમાં એક રેલી વખતે સુબ્રતે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, આમા કોઈ શંકા નથી કે ભાજપ રાજ્યમાં હિંસા ફેલાવવા માગે છે. નડ્ડાના કાફલા પર ગત દિવસોમાં જે હુમલો થયો, તેનું કાવતરું ભાજપે જ ઘડ્યું હતું. સુબ્રતોએ વધુમાં કહ્યું કે, ભાજપ ચૂંટણી નહીં જીતે તો અમુક લોકોને ખાનગી રીતે રાજ્યમાં મોકલી શકે છે અને તેમના દ્વારા મમતા બેનર્જીની હત્યાનું કાવતરું ઘડી શકે છે.

સુબ્રતે વધુમાં કહ્યું કે, હું જવાબદારી સાથે ભાજપ પર આરોપ લગાવી રહ્યો છું. તેની તપાસ કરાવવામાં આવે. જો આ ખોટું સાબિત થશે તો હું વાયદો કરું છું કે હું રાજકારણ છોડી દઈશ.

નડ્ડા પર હુમલાથી શરૂ થયું ઘર્ષણ

પશ્વિમ બંગાળની મુલાકાતે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર ગત ગુરુવારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પશ્વિમ બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સહિત અમુક નેતા ઘાયલ થઈ ગયા હતા. પથ્થરમારાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ સમર્થકો પર લાગ્યો હતો. પથ્થરમારો એ વખતે થયો, જ્યારે નડ્ડા કોલકાતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યાં હતા. ડાયમંડ હાર્બર મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીનો વિસ્તાર છે.

પથ્થરમારાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ નડ્ડાના કાફલાનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. TMCએ આરોપ ફગાવી દીધા હતા.

મમતાએ કહ્યું હતું કે, ક્યારેક ચડ્ઢા, ક્યારેક નડ્ડા નાટક કરાવે છે

નડ્ડા પર હુમલા પછી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અહીં ક્યારેક ગૃહ મંત્રી હોય છે, તો ક્યારેક ચડ્ઢા, નડ્ડા, ફડ્ડા અને ભડ્ઢા. જ્યારે તેમને દર્શકો નથી મળતા, તો તે પોતાના કાર્યકર્તાઓ પાસે આવા નાટકો કરાવે છે.

મમતાના નિવેદન પર વળતો જવાબ આપતા નડ્ડાએ કહ્યું હતું કે, મને જણાવવામાં આવ્યું છે કે મારા વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. આ તેમના સંસ્કારો વિશે જણાવે છે. આ બંગાળનું કલ્ચર નથી. અમારા વડાપ્રધાન કહે છે કે બંગાળની ભાષા સુંદર છે, બંગાળની સંસ્કૃતિ સૌથી સુંદર છે. મમતાજી જે શબ્દોનો ઉપયોગ કરે છે, તે જણાવે છે કે તેમણે બંગાળને સમજ્યું જ નથી. બંગાળ આપણા સૌનું છે.

11 ડિસેમ્બરે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા પર આરોપ લગાવ્યા કે તે આગ સાથે રમી રહ્યાં છે.તેમણે બંધારણમાં રહીને કામ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here