ઓટો એડવાઈઝ : કારમાં વરસાદનું પાણી ભરાઈ જાય તો અજાણતામાં કરેલી એક ભૂલથી મોટો ખર્ચો આવી શકે છે, જાણો આવી સ્થિતિમાં શું કરવું

0
11

ભારે વરસાદને લીધે ઘણાં રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ડેમ ફુલ થઇ ગયા છે અને નદીઓ છલકાઈ ગઈ છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેનાથી સ્થાનિકોનાં વાહનો ડૂબી રહ્યાં છે. જો તમે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હો કે તમારી કારમાં પાણી ભરાઈ ગયું હોય તો તમારે સૌથી પહેલાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઉએ, આ બધું જાણવા માટે અમે ઓટો એક્સપર્ટ અને કેટલાક ઇન્શ્યોરન્સ એજન્ટો સાથે વાત કરી…

જો કારનો એન્જિન પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ હોય તો..

  • ઇન્શ્યોરન્સ એજન્ટે જણાવ્યું કે, જો તમારી કારનો એન્જિન પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ ઊતરાવેલો હોય અને કાર પાણીમાં ડૂબી ગઈ હોય કે કારમાં પાણી ભરાઈ ગયું હોય, તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કારમાં ચાવી ન લગાવો કે તેને સ્ટાર્ટ કરવાના પ્રયત્નો પણ ન કરો.
  • જો તમે કાર ચાલુ કરવાની ભૂલ કરી તો તમારી સામે એક નવી તકલીફ આવી જશે કારણ કે તમે ઇગ્નિશન ઓન કર્યું તો કચરો એન્જિનની અંદર જઈ શકે છે અને આવી સ્થિતિમાં તમને ક્લેમ મળશે નહિ. વીમા કંપનીનો સર્વેયર આવીને ગાડી ચેક કરશે અને એન્જિનમાં કોઈ કચરો દેખાશે, તો એને ખ્યાલ આવી જશે કે ગાડીનું ઈગ્નિશન ઑન કરવામાં આવેલું, અને આ કારણોસર ક્લેમ રિજેક્ટ કરી દેશે. એના કરતાં બહેતર એ છે કે કોઈ રિકવરી વ્હીકલ કે ટોઈંગ વ્હીકલ દ્વારા કારને સીધી સર્વિસ સેન્ટર લઇ જાઓ અથવા તો સર્વિસ સેન્ટરનો સંપર્ક કરીને તેમને કાર લઈ જવાનું કહો.

જો ઇન્શ્યોરન્સ ન હોય તો..

  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો કાર આખી ડૂબી ગઈ હોય, અને તમારી કારનો ફર્સ્ટ પાર્ટી ઇન્શ્યોરન્સ નહિ પણ માત્ર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ જ હોય, તો આવી સ્થિતિમાં કારને સ્ટાર્ટ કરવાના પ્રયત્નો ન કરવા જોઈએ. નહિ તો આ પ્રયત્નોથી ખર્ચાના ખાડામાં ઊતરી શકો છે. કારણકે કાર ડૂબી જતાં તેની સૌથી વધારે અસર ગાડીના એન્જિન અને ઇલેક્ટ્રિકલ્સ પર પડે છે. હવે આવી સ્થિતિમાં કારને ફરીથી ચાલુ કરીએ તો તે વધારે ખરાબ થઇ શકે છે.
  • જો શક્ય હોય તો, પહેલાં કારની બેટરી કાઢી નાખો. કેમ કે, બંધ ગાડીમાં એન્જિનને નુકસાન પહોંચવાની શક્યતા ઓછી થઈ જાય છે. બેટરી કાઢી નાખવાથી ઈલેક્ટ્રિકલ્સ સિસ્ટમ કામ નહીં કરે અને શોર્ટ સર્કિટની સંભાવના પણ ઓછી થઈ જશે.
  • જો ગાડીનો ઈન્શ્યોરન્સ ન હોય, તો બધો ખર્ચો તમારે ઉઠાવવો પડશે, આવી સ્થિતિમાં ગાડીને ટોઈંગ વ્હીકલની મદદથી ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર લઈ જાઓ, પરંતુ એક જ સર્વિસ સેન્ટર પર જઈને નિર્ણય ન લો, ઓછામાં ઓછા બે સર્વિસ સેન્ટર પર જઈને અભિપ્રાય લો અને કોઈ વિશ્વસનીય મિકેનિકને પણ બતાવો અને પછી નિર્ણય લો. ઉદાહરણ તરીકે, જો કોઈ બીમાર પડે છે, તો ડોક્ટરને બતાવો છો અને ડાઉટ લાગે તો બીજા ડોક્ટરની સલાહ લો છો. આ જ વાત ગાડીઓના કિસ્સામાં પણ લાગુ પડે છે. બની શકે છે કે, એજન્સી વધારે નુકસાન થવાની વાત કહીને તમને 70 હજારનો ખર્ચ કહેશે, જ્યારે બીજો મિકેનિક આ જ કામ 40-50 હજારમાં પણ કરી આપે. આવી સ્થિતિમાં તમારા વાહનને ટો કરાવવાનો ખર્ચ વ્યર્થ નહીં જાય.
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, એન્જિનમાં એક પ્રકારનું સીલિંગ હોય છે, જેનાથી પાણી એન્જિનની અંદર નથી જતું અથવા તો ઓછું જાય છે, સર્વિસિંગ દરમિયાન આ પાણી બહાર કાઢી શકાય છે અને વધારે નુકસાન નહીં થાય. પરંતુ ઈગ્નિશન ઓન કરવા પર એર ફિલ્ટર કે સાયલન્સર દ્વારા એન્જિનમાં પાણી જતું રહે છે, જેનાથી પિસ્ટનમાં ગેપ આવી શકે છે, યાને કે, વધારે નુકસાન થઈ શકે છે.

નોંધ- નિષ્ણાતો સલાહ આપે છે કે, જો તમે એવા વિસ્તારમાં રહો છો, જ્યાં દરેક વરસાદમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે, તો ઝીરો ડેપ્થ ઈન્શ્યોરન્સની સાથે વોટર ડેમેજ કે એન્જિન પ્રોટેક્શન અને કન્ઝ્યુમેબલ પ્રોટેક્શન અચૂક લો અને ટેન્શન ફ્રી રહો.

– તમામ પોઈન્ટ્સ ઓટો એક્સપર્ટ નીરજ ઉપાધ્યાય અને ઈન્શ્યોરન્સ એજન્ટ સુંદર ચંદ્ર સાથેની વાતચીતને આધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here