નીતિશની સાત નિર્ણય યોજના : ચિરાગ પાસવાન બોલ્યા- સત્તા મળશે તો ભ્રષ્ટાચારના દોષિતોને જેલમાં ધકેલીશું, ભલે પછી નીતિશ જ કેમ ન હોય

0
6

બિહારમાં ચૂંટણી વચ્ચે LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે,”નીતિશ સરકારની ફ્લેગશિપ સ્કીમ ‘સાત નિર્ણય’માં ભ્રષ્ટાચાર થયો છે. અમારી પાર્ટી સત્તામાં આવશે તો ભ્રષ્ટાચારની તપાસ કરાવીને દોષિતોને જેલમાં ધકેલીશું, તે પછી ભલે મુખ્યમંત્રી નીતિશ કુમાર જ કેમ ન હોય. તેમની દેખરેખ હેઠળ જ ભ્રષ્ટાચાર ફૂલ્યો-ફાલ્યો છે.”

‘નીતીશ દારૂની હેરાફેરીથી નફો કમાઈ રહ્યા’
ચિરાગે રાજ્યમાં દારૂબંધી કાયદો લાગુ કરવાના મુદ્દે પણ નીતીશ પર નિશાન સાધ્યું હતું. LJP અધ્યક્ષે મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ રાજ્યમાં દારૂની હેરાફેરીથી નફો મેળવી રહ્યા છે. ચિરાગે સોમવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી.

’12 કરોડ બિહારીઓ જાણે છે સરકારનો ભ્રષ્ટાચાર’
આ પહેલા, પટના એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં ચિરાગે કહ્યું હતું કે નીતિશના પ્રધાનો અને મીડિયા સહિત 12 કરોડ બિહારીઓ જાણે છે કે સાત નિર્ણયની યોજનાનો અમલ કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. NDAથી છૂટા પડ્યા પછી LJP બિહારમાં પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યું છે. ચિરાગ પાસવાન ચૂંટણી સભાઓમાં અને સોશિયલ મીડિયા પર અવાર-નવાર નીતિશ પર નિશાન સાધી રહ્યા છે.

રોહતાસ જિલ્લાના નોખામાં ચૂંટણી સભામાં ચિરાગે કહ્યું હતું કે નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટું બોલ્યા હતા કે બિહારના તમામ ઘરોમાં નળનું પાણી પહોંચાડી દીધું છે અને ગટર વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે.

સાત નિર્ણય યોજના શું છે?
નીતિશ કુમારે 2015ના ચૂંટણી પ્રચારમાં બિહારના વિકાસ માટે રૂ. 2.70 લાખ કરોડ રૂપિયાની સાત નિર્ણયની યોજના જાહેર કરી હતી. તેનો હેતુ યુવા પેઢીને શિક્ષણ અનેસ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આત્મનિર્ભર બનાવવા, તમામ ગામોમાં વીજળી પહોંચાડવી, શહેરી વિસ્તારોમાં દરેક ઘરમાં નળ અને તમામ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવાનો હતો. નીતિશ કેબિનેટે 2016માં આ યોજનાને મંજૂરી આપી દીધી હતી.