Thursday, August 5, 2021
No menu items!
Homeઆજથી પિતૃપક્ષ શરૂ : જો તીર્થમાં જઇને શ્રાદ્ધ કરી શકો નહીં તો...
Array

આજથી પિતૃપક્ષ શરૂ : જો તીર્થમાં જઇને શ્રાદ્ધ કરી શકો નહીં તો સરળ વિધિથી ઘરે રહીને જ શ્રાદ્ધ કરી શકાય છે, જાણો શ્રાદ્ધના 16 દિવસમાં ક્યારે શું કરવું

2 થી 17 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ રહેશે. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થોમાં જઇને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ મહામારીના કારણે તીર્થમાં જઇને શ્રાદ્ધ કરી ન શકો તો વિશેષ વસ્તુઓ સાથે સરળતાથી ઘરે જ શ્રાદ્ધ કરી શકાય છે.

શ્રાદ્ધમાં જરૂરી વસ્તુઓ.

શ્રાદ્ધમાં તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન આ ત્રણ વસ્તુઓ ખાસ હોવી જોઇએ. ત્યાં જ, બ્રાહ્મણ ભોજન માટે લસણ-ડુંગળી અને ઓછા તેલ-મસાલાવાળું સાત્વિક ભોજન હોવું જોઇએ. જેમાં ચોખા જરૂર હોવા જોઇએ.

ઘરે જ શ્રાદ્ધ અને તર્પણ કરી શકો છો.

  • શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને જ્યાં સુધી શ્રાદ્ધ કર્મ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી કંઇ જ ભોજન કરવું નહીં. માત્ર પાણી પી શકો છો. બપોરે 12 વાગ્યા આસપાસ શ્રાદ્ધ કરી શકાય છે.
  • દક્ષિણ દિશામાં મોં રાખીને ડાબા પગને વાળી દેવો, ડાબા ઘૂંટણને જમીન ઉપર ટેકવીને બેસી જાવ.
  • ત્યાર બાદ તાંબાના વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી નાખો.
  • હાથમાં કુશા ઘાસ રાખો. ત્યાર બાદ તે જળને બંને હાથમાં લઇને સીધા હાથના અંગૂઠાથી તે જ વાસણમાં અર્પણ કરો. આ વિધિ 11 વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો
  • મહિલાઓ શુદ્ધ થઇને પિતૃઓનું ભોજન બનાવે.
  • પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો. ત્યાર બાદ પંચબલિ એટલે દેવતા, ગાય, કૂતરા, કાગડા અને કીડી માટે ભોજન સામગ્રી અલગ કાઢી લો.
  • ત્યાર બાદ બ્રાહ્મણ ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય સામગ્રી દાન કરો.

 

શ્રાદ્ધ એટલે પિતૃયજ્ઞના 16 દિવસ.

અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે, ત્યારે પિતૃઓને તૃપ્ત કરતી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. સાથે જ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ જણાવવામાં આવ્યું છે કે, આ 16 દિવસમાં પિતૃઓ માટે વિશેષ પૂજા અને દાન કરવું જોઇએ. આ સિવાય પુરાણોની વાત કરવામાં આવે તો બ્રહ્મ પુરાણ, નારદ પુરાણ, સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શ્રાદ્ધપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા કેવી રીતે કરી શકાય છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પિતૃપક્ષ શરૂ થતાં જ પિતૃઓ મૃત્યુલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે. એટલે, આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે.

શ્રાદ્ધ કરવાનો અધિકાર કોને.

ગૌતમધર્મસૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ-પુરોહિત અથવા આચાર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

પિતા માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ. પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે.

માર્કણ્ડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે.

માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે.

દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે.

પિતૃપક્ષ કેલેન્ડર, કયા દિવસે કયું શ્રાદ્ધ.

દિવસ શ્રાદ્ધ તિથિ વિશેષ
2 સપ્ટેમ્બર, બુધવાર એકમનું શ્રાદ્ધ
3 સપ્ટેમ્બર, ગુરુવાર બીજનું શ્રાદ્ધ
4 સપ્ટેમ્બર, શુક્રવાર તીજનું શ્રાદ્ધ
6 સપ્ટેમ્બર, રવિવાર ચોથનું શ્રાદ્ધ
7 સપ્ટેમ્બર, સોમવાર પાંચમનું શ્રાદ્ધ આ દિવસે ભરણી નક્ષત્ર રહેશે. જેના સ્વામી યમ છે. એટલે આ દિવસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચમે કુંવારા મૃત આત્માઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
8 સપ્ટેમ્બર, મંગળવાર છઠ્ઠનું શ્રાદ્ધ
9 સપ્ટેમ્બર, બુધવાર સાતમનું શ્રાદ્ધ
10 સપ્ટેમ્બર, ગુરુવાર આઠમનું શ્રાદ્ધ
11 સપ્ટેમ્બર, શુક્રવાર નોમનું શ્રાદ્ધ આ દિવસને માતૃનોમ કહેવામાં આવે છે. આ તિથિએ માતા અને અન્ય સૌભાગ્યવતી મૃત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
12 સપ્ટેમ્બર, શનિવાર દસમનું શ્રાદ્ધ
13 સપ્ટેમ્બર, રવિવાર એકાદશીનું શ્રાદ્ધ
14 સપ્ટેમ્બર, સોમવાર બારસનું શ્રાદ્ધ આ દિવસે તે મૃત આત્માઓનું શ્રાદ્ધ થાય છે જેમણે સન્યાસ લીધો હતો.
15 સપ્ટેમ્બર, મંગળવાર તેરસનું શ્રાદ્ધ આ દિવસે મૃત બાળકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
16 સપ્ટેમ્બર, બુધવાર ચૌદશનું શ્રાદ્ધ આ તિથિને અપમૃત્યુ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ દિવસે તે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ કોઇ હથિયાર, ઝેર કે દુર્ઘટનાથી થયું હોય.
17 સપ્ટેમ્બર, ગુરુવાર સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ આ દિવસ બધા જ પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું વિધાન છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments