અંબાજી મંદિર વિશેની આ વાત તમને નહિ ખબર હોય,

0
62

ગુજરાતનું એક પાવન તીર્થ એટલે બનાસકાંઠા જિલ્લામાં આવેલું દાંતા તાલુકાનું અંબાજી ધામ. આ ધામનો મહિમા જ તેના નામ સાથે પ્રખ્યાત છે. આરાસુરના અંબાજી માતાની ભક્તિ લોકો ખુબ જ ભક્તિ ભાવથી કરતા હોય છે, બારેમાસ ભાવિક ભક્તો માતાજીના દર્શને પણ જાય છે. ખાસ ભાદરવી પૂર્ણિમાના દિવસે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ચાલીને આવે છે.

અંબાજીમાં રહેલા મા અંબા સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે, એટલે જ ભક્તોને અંબાજી માતાજી પ્રત્યે ખુબ જ શ્રદ્ધા રહેલી છે. ભારતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક આ અંબાજીના મંદિરનું માહાત્મ્ય જ કંઈક અલગ છે. આ શક્તિપીઠ એટલા માટે ખાસ છે કે આ જગ્યાએ માતાજીનું હૃદય પડ્યું હતું જેના કારણે માતાજી પોતાના ભક્તોના દુઃખ પોતાના હૃદયથી દૂર કરે છે.

અદમ્ય શ્રદ્ધા અને આસ્થાના ધામ એવા અંબાજી મંદિર વિશેના ઘણા કિસ્સાઓ અને ઘણા રહસ્યો જોડાયેલા છે, મા અંબાનો ઇતિહાસ પણ સૌ કોઈ જાણે છે, સાથે મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરવાના પણ ઘણા ઉદાહરણો મળે છે.

આવો જ એક ઇતિહાસ અંબાજી મંદિર વિશે જોડાયેલો છે, જે ઘણા લોકોને ખબર નહિ હોય. ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન પણ આજ મંદિરમાં કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ જયારે બાળ સ્વરૂપમાં હતા ત્યારે તેમનો મુંડન સંસ્કાર વિધિ મા અંબાના ચરણોમાં આજ સ્થાનક ઉપર કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામ પણ શક્તિની ઉપાસના માટે આ મંદિરમાં આવી ગયા છે. જેના કારણે આ મંદિરની વિશેષતા ઘણી વધારે છે.

બારસો વર્ષોથી પણ જૂનો ઇતિહાસ ધરાવતા આ મંદિરમાં દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે, પૂર્ણિમાના દિવસે અંબાજી મંદિરમાં દર્શનનું મહત્વ વધારે છે. અંબાજીનું મંદિર એટલા માટે પણ વિશેષ છે કે આ મંદિરના ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમાની જગ્યાએ તેમનું શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સુસજ્જિત શ્રીયંત્રને એ રીતે શણગારવામાં આવ્યું છે કે જોવા વાળને તેમાં મા અંબાના જ દર્શન થાય છે.

અંબાજીના મંદિરનું વર્ણન તંત્ર ચુડામણીમાં પણ મળી આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી મંદિરનો જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે, અને આ મંદિરને એક ભવ્ય મંદિર બનાવવાનું કામ પણ પુરજોશમાં ચાલી રહયું છે.

મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પણ આવેલો છે જ્યાં માતાજીનું એક મંદિર પણ છે. આ ગબ્બર ઉપર બિરાજેલા માતાજી પણ શ્રદ્ધાનું એક મુખ્ય કેન્દ્ર છે. કહેવાય છે માતાજીનું અહીંયા મૂળ મંદિર સ્થાપિત હતું. ગબ્બર ઉપર માતાજીના પદચિન્હ રહેલા છે સાથે અહીંયા રથના ચિન્હ પણ જોવા મળે છે. આસ્થા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે ગબ્બર ઉપર મા અંબાના દર્શન કર્યા વિના તેમના દર્શન અધૂરા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here