ડિવાઇસ : IIT ગુવાહાટીએ નવી ડિવાઇસ બનાવી, આ આંસુઓનો ટેસ્ટ કરીને શરૂઆતના સ્ટેજમાં ડાયાબિટીસ રેટિનોપેથી હશે તો દર્દીને અલર્ટ કરશે

0
5

IIT ગુવાહાટીએ એવી ડિવાઇસ બનાવી છે જે ડાયાબિટીક રેટિનોપેથી હોય તો પ્રારંભિક તબક્કે ચેતવણી આપશે. દર્દીના આંસુ અથવા પેશાબની તપાસ કર્યા પછી ડિવાઇસ જણાવશે કે વ્યક્તિ ડાયાબિટીક રેટિનોપેથીથી પીડિત છે કે નહીં. સંશોધકોએ તેને ‘પોઇન્ટ-ઓફ-કેર’ નામ આપ્યું છે. IIT ગુવાહાટીએ શ્રી શંકરદેવ નેત્રાલયના સહયોગથી આ ડિવાઇસ બનાવી છે.

ડાયાબિટીક રેટિનોપેથી એટલે શું?

તે આંખનો રોગ છે, જે એવા દર્દીઓમાં જોવા મળે છે જે લાંબા સમયથી ડાયાબિટીઝથી પીડિત છે. ડાયાબિટીક રેટિનોપેથીના કિસ્સામાં આંખમાં રહેલી રેટિનાની રક્તવાહિનીઓને નુકસાન થાય છે, જેના પરિણામે અસ્પષ્ટ દ્રષ્ટિ, રંગો ઓળખવામાં મુશ્કેલી, રાત્રે ન દેખાવું અથવા એક જ વસ્તુ બે-બે દેખાવી વગેરે વગેરે જેવી સમસ્યાઓ ઊભી થાય છે.

ડિવાઇસ આ રીતે કામ કરે છે

સંશોધકોએ શરીરમાં હાજર એવું પ્રોટીન શોધી કાઢ્યું છે, જે દર્દીમાં ડાયાબિટીક રેટિનોપેથીનો સંકેત આપે છે. સંશોધન દરમિયાન સંશોધકોએ આંસુ અને પેશાબના નમૂના લીધા હતા. ડિવાઇસ સાથે ટેસ્ટિંગદરમિયાન સેમ્પલમાં બીટા -2 માઇક્રોગ્લોબ્યુલિન નામના પ્રોટીનની પુષ્ટિ કરવામાં આવી હતી.

સેન્ટર ફોર નેનો ટેકનોલોજીના હેડ અને સંશોધક ડો. દીપાંકર બંદોપાધ્યાયના જણાવ્યા મુજબ, માણસોમાંથી લેવામાં આવેલા સેમ્પવને ડિવાઇસમાં સેન્સિંગ એલિમેન્ટના સંપર્કમાં લાવવામાં આવે છે. આ દરમિયાન જો સેમ્પલનો રંગ બદલાય છે તો તે સાબિત થાય છે કે તેમાં બીટા-2 માઇક્રોગ્લોબ્યુલિન પ્રોટીન છે. આ માઇક્રો-ફ્યુઇડિક એનાલાઇઝર સારું અને વિશ્વસનીય પરિણામ આપે છે. તે ગ્લુકોમીટર જેવી ડિવાઇસ છે, જે ગમે ત્યાં લઈ જઇ શકાય છે.

ડિવાઇસની પેટન્ટ કરાવવાની તૈયારી શરૂ

આ રિસર્ચ ACS જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં ડિવાઇસની પેટન્ટ બનાવવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સંશોધન માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે.