કલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસનું વેચાણ તેમજ રિફીલ કરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. કલોલના રકનપુર અને ખાત્રજ ગામમાં કોઈપણ જાતની સુરક્ષા વગર ગેરકાયદેસર રીતે ગોડાઉન બનાવીને કેટલાક અસામાજિક તત્વો ગેસનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. આ પ્રવૃત્તિને કારણે જાનમાલનું જોખમ પણ રહેલું છે.
તંત્ર દ્વારા ગેરકાયદે વેપલો કરતા આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.કલોલના ખાખરીયા ટપ્પામાં આવેલા ગામડાઓમાં રાંધણ ગેસના કાળા બજાર થતા હોવાની ફરિયાદો ઉઠી છે. અહીંના કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદે રીતે ગેસના સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારબાદ તેને ઊંચી કિંમતે વેચવામાં આવતા હોય છે. આ સંગ્રહ કરવાની જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધા નથી. ગામડાઓમાં દુકાન કે જગ્યા ભાડે લઈને તેમાં ગેસના બાટલાઓનો સંગ્રહ કરાતો હોય છે. ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવા માટે જગ્યાની મંજૂરી લેવામાં આવતી નથી.કલોલ તાલુકાના ખાત્રજ અને રકનપુર ગામે રાંધણ ગેસના બાટલાઓનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. દુકાનો તેમજ ડેરી પાર્લરમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવે છે. ખાત્રજમાં આવેલ વિનાયક શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે રીતે ગેસના બાટલા રાખીને વેચાણ કરવામાં આવે છે. જ્યારે રકનપુરમાં આવેલ ડેરી પાર્લરમાં ગેરકાયદે સિલિન્ડર સહિત નશીલા પદાર્થોનું પણ વેચાણ થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કોઈપણ જાતની મંજૂરી કે સુરક્ષા વગર ગેરકાયદે બાટલાઓનું વેચાણ થતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.