મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત, 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ અપાશે

0
11

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે વધુ 3 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત(સુરત) થઈ ચૂક્યું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે. જ્યારે 15 હજાર 468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતમાં 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે.

સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં

કોરોનાની સ્થિતિ અંગે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 3 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

50 લોકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર માટે મોકલ્યા

રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 1.07 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 15, 468 વ્યક્તિ વિદેશથી આવેલા છે. આમાંથી 50 લોકોને રોગના ચિન્હ જણાતા સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. 104 હેલ્પલાઇન નંબર પર દિવસના 20,000 કોલ મળ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 258 લોકોને સારવાર આપવામાં આવી છે. અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500, વડોદરામાં અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

આઈસોલેટેડ ન થનારા 14 સામે ફરિયાદ

જ્યારે  સાબરકાંઠાના ઇડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના ધારાધોરણ મુજબ આઇસોલેટેડ ન થતાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇડર પોલીસે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ગુજરાત અપડેટ

ગુજરાતના પાટણ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને કચ્છના મુંદ્રા સહિતના શહેરોમાં કરિયાણાની દુકાન આગળ 1 મીટરના અંતરે ગોળ અથવા ચોરસ ખાના કરવામાં આવ્યા છે. આ ખાનામાં ઉભા રહ્યાં બાદ વસ્તુઓ લેવા માટે વારો આવે છે. 

સાવરકુંડલા પાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં સેનિટાઇઝર અને દવાનો છંટકાવ કરાયો, લોકોની અવર-જવર વચ્ચે પાલિકા કર્મીઓએ કરવી પડી કામગીરી

રાજ્યમાં 1.5 વર્ષ સુધી ચાલી શકે તેટલો અનાજનો જથ્થો, રાજ્યમાં ટાસ્કફોર્સની રચના બાદ બેઠક મળશે જેમાં અનાજના પુરવઠા અંગે ચર્ચા કરાશે

અમદાવાદના એલિસબ્રિજ રિવરફ્રન્ટ ગુજરી બજારમાં શાકભાજી માર્કેટની સુવિધા ઉભી કરવામાં આવી
ગરીબ અને મધ્યમવર્ગની જનતાને મદદ કરવા અને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવા મુખ્યમંત્રી રાહત ફંડ ખુલ્લુ મૂકાયું

ભુજની મુખ્ય શાક માર્કેટમાં લોકો ઉમટી પડતા પોલીસ રસ્તા પર ઉતરી હતી, કડક સૂચના આપી શાકભાજીની રેંકડીઓ હટાવી હતી.

પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું

ગુજરાતમાં 38 પોઝિટિવ કેસ, 1 મોત

શહેર પોઝિટિવ કેસ મૃત્યુ
અમદાવાદ 14 00
વડોદરા 07 00
સુરત 07 01
ગાંધીનગર 06 00
રાજકોટ 03 00
કચ્છ 01 00
કુલ આંકડો 38 01

 

સુરત અને વડોદરામાં 7-7 પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચ્યો હતો.  સુરત શહેરમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો સાત પર પહોંચ્યો છે. જ્યારે એકનું મૃત્યું પણ નિપજ્યું છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

15 એપ્રિલથી લગ્નગાળો શરૂ પણ ખરીદી બંધ

રાજ્યના મોટાભાગના મંદિરો પણ બંધ હોવાથી ભક્તો નવરાત્રીના સમયે પૂજા-આરતીમાં સામલ પણ નહીં થઈ શકે. ઘરે બેઠા જ માતાજીની આરતી કરવી પડશે. આ દિવસોમાં સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થતો હોય છે. જોકે એ પણ બંધ હોવાથી વેપારીઓ હતાશ છે. બીજી તરફ 15 એપ્રિલથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. પરંતુ આ દિવસોમાં જે પણ પરિવારે કોઇના લગ્ન લીધા હશે તેઓને ઘણી મુશ્કેલી પડી શકે છે. કારણ કે, લગ્ન માટેની ખરીદી પણ કરવી શક્ય થાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here