SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર : 18 સપ્ટેમ્બરથી બદલાઈ જશે ATMમાંથી કેશ વિડ્રો કરવાનો નિયમ, જાણો હવે પૈસા ઉપાડવા તમારે શું કરવું પડશે ?

0
3

લોકડાઉન દરમિયાન ATM ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તેના પગલે હવે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આધારિત ATM કેશ વિડ્રોઅલની સુવિધા 24×7 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા સમગ્ર દેશના SBI ATM પર 18 સપ્ટેમ્બરથી લાગુ થશે.

દિવસમાં પણ પૈસા વિડ્રો કરવા માટે OTPની જરૂર પડશે

હવે SBIના ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુ રકમ વિડ્રો કરવા માટે દિવસે પણ OTPની જરૂર પડશે. અત્યાર સુધી રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી 10 હજાર કે તેનાથી વધુ રકમ વિડ્રો કરવા પર જ OTPની જરૂર પડતી હતી. બેન્કે 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કર્યો હતો. આ અંતર્ગત 10 હજાર રૂપિયા કે તેનાથી વધુ રકમ વિડ્રો કરવા પર OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલને રાતે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી રજૂ કરવામાં આવી હતી.

પૈસા હવે કઈ રીતે વિડ્રો કરી શકાશે ?

હવે 18 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારથી જો તમે 10 હજાર કે તેનાથી વધુ પૈસા વિડ્રો કરવા ATMમાં જાવ છો તો તમને કાર્ડ અને અમાઉન્ટ એન્ટર કર્યા પછી બેન્ક તરફથી રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. આ OTPને ડેબિટ કાર્ડના પિન સાથે એન્ટર કરવાનો રહેશે, ત્યારે તમે ATMમાંથી પૈસા વિડ્રો કરી શકશો.

ATM ફ્રોડ રોકવામાં મળશે મદદ

SBIના એમડી(રિટેલ અને ડિજિટલ બેન્કિંગ) સીએસ સેટ્ટીએ કહ્યું કે ટેકનિકલ સુધારા અને સેફ્ટીના મામલામાં SBI પહેલેથી આગળ રહી છે. મને આશા છે કે 24×7 OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલની સુવિધાથી સુરક્ષા સ્તર વધુ મજબૂત બનશે. સમગ્ર દિવસ દરમિયાન આ સુવિધા લાગુ કરાવવાથી SBIના ડેબિટ કાર્ડહોલ્ડર દગાખોરોથી, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવા જોખમોથી બચી શકશે.

સમગ્ર દેશમાં 22,000થી વધુ બ્રાન્ચ

દેશની સૌથી મોટી બેન્ક SBIની સમગ્ર દેશમાં 22 હજારથી વધુ બ્રાન્ચ છે. SBI 30થી વધુ દેશોમાં પણ છે. SBIના 6.6 કરોડથી વધુ ગ્રાહક મોબાઈલ બેન્કિંગ અને ATMની સુવિધાનો ઉપયોગ કરે છે.