આફ્રિદીનો ઇમરાનને ટોણો : શાહિદ આફ્રિદીએ કહ્યું- ઇમરાન ખાનની ટીમમાં એકતાનો અભાવ; હું ગરીબોની મદદ કરી રહ્યો હતો, મંત્રીઓ રજા પર હતા

0
4

શાહિદ આફ્રિદીએ ઇશારોમાં ઇમરાન ખાન સરકાર પર નિશાન સાધ્યું છે. આફ્રિદીના કહેવા પ્રમાણે, ઇમરાન સરકારમાં એકતાનો અભાવ છે અને તે આખા દેશને દેખાઈ રહ્યો છે. આફ્રિદી તાજેતરમાં કોરોના સંક્રમિત થયો હતો. હવે તેની તબિયત સારી છે. તેણે કહ્યું- જ્યારે હું દેશના પછાત વિસ્તારોમાં જઈને ગરીબોની મદદ કરતો હતો ત્યારે કેટલાક મંત્રીઓ અને સાંસદો તે વિસ્તારમાં રજા પર હતા.

ગયા વર્ષ સુધી આફ્રિદી ઘણીવાર ઇમરાન સાથે જોવા મળ્યો હતો. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી બંને સાથે દેખાયા નથી.  શાહિદ તેના ફાઉન્ડેશન દ્વારા ગરીબોની મદદ કરી રહ્યો છે.

કોરોનાથી ડરવાની જરૂર નથી
શાહિદનો13 જૂને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે એક મુલાકાતમાં તેણે કોરોના સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. ચેપ લાગવાના પ્રશ્ને તેણે કહ્યું, “હું જાણતો હતો કે મને પણ ચેપ લાગી શકે છે. અને તેવું જ થયું. હવે ઠીક છું. હું કવોરન્ટીનમાં નહોતો રહ્યો. ત્રણ દિવસ પછી હું રૂમની બહાર આવ્યો. ટ્રેનિંગ શરૂ કરી. આ રોગમાં સામાજિક અંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ, તેને માથા પર ચઢાવવો જોઈએ નહીં. બેદરકારી ન આવે તેનું પણ ધ્યાન રાખવું. હું સ્માર્ટ લોકડાઉનનો મુદ્દો સમજી શક્યો નથી.”

ગરીબી અને બેકારીનો કેવી રીતે સામનો કરવો
એક સવાલના જવાબમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, કોવિડ -19 ખૂબ જ નાની વસ્તુ છે. આ મહામારી તો જતી રહેશે. આપણા દેશની સૌથી મોટી સમસ્યા ગરીબી અને બેરોજગારી છે. આપણે મહામારીનો તો સામનો કરી લેશું. પરંતુ, ગરીબી અને બેરોજગારીનું શું થશે તે વિશે વિચારો. પોશ વિસ્તારોમાં સમજણ હતી. જો કે, મોટાભાગના લોકો અને ખાસ કરીને ગરીબ વિસ્તારોમાં લોકો કોવિડ -19 વિશે જાણતા ન હતા. મને લાગે છે કે આપણા જેવા લોકોની જિંદગી ખૂબ સારી રીતે પસાર થઈ રહી છે. ”

મંત્રીઓ રજાઓ પર હતા
શાહિદે કહ્યું, “સરકાર અહેસાસ કાર્યક્રમ ચલાવી રહી છે. પરંતુ, લોકોને રાશન મળ્યું નથી. હું લોકોને મદદ કરવા ક્વેટાના આસપાસના વિસ્તારોમાં ગયો. રાશનનું વિતરણ કર્યું, પરંતુ એ કહેવું દુખદ છે કે અમારી પાસે મંત્રીઓ અને સાંસદો પણ છે જેઓ ત્યાં રજાઓ પર ગયા હતા. રસ્તામાં મળનાર આ ગરીબ લોકોની પીડા તેમણે અનુભવી ન હતી.

ખુરશીની જરૂર નથી
ઇમરાનની સરકાર પર નિશાન સાધતા આફ્રિદીએ કહ્યું કે, અમારા નેતાઓને ઉપરવાળાએ ખુરશી અને તાકાત આપી છે. આ લોકો ગરીબોની મદદ કેમ નથી કરતા? મારી પાસે ખુરશી નથી. બસ, સારો ઉદ્દેશ જરૂરી છે. હવે આ લોકોએ ઉપરવાળાને જવાબ આપવો પડશે અને અહીં પણ. એનજીઓ શહેરોમાં ફક્ત મીડિયામાં દેખાવા માટે કામ કરે છે. મને ખુરશી નથી જોઈતી. હું અત્યારે રાજકારણમાં આવવા માંગતો નથી. ઇમરાન ખાનની ટીમમાં એકતાનો અભાવ છે. આ આખો દેશ જોઈ રહ્યો છે. વડા પ્રધાન પાસે બહુ મોટી તક છે.