ભાવનગર : 4 મિનિટમાં 20 લાખનાં હિરા લૂંટ્યા, 85 મિનિટમાં પોલીસે બંનેને ઝડપી લીધા

0
10

ભાવનગર:શહેરના હીરાબજાર નિર્મળનગર નાકે ક્રિસ્ટલ બિલ્ડીંગ પાસેથી માત્ર ચાર મીનીટના સમયગાળામાં હેલમેટ પહેરી આવેલા બે અજાણ્યા બાઈક સવારોએ છરીની અણીએ રૂ. 20 લાખના હીરા ભરેલા થેલાની લૂંટ કરી નાસી ગયા હતા. જેને પોલીસે ગણતરીની મિનીટોમાં માઢીયા રોડ પરથી એક કારમાંથી ઝડપી લીધા હતા.

માત્ર ચાર મીનીટમાં લૂંટારૂઓ લૂંટ કરી નાસી છુટ્યા
નિર્મળનગર ક્રિષ્ટલ બિલ્ડીંગ દુકાન નં.224માં આવેલ આર.મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી અંકીતભાઈ પટેલ દરરોજના રૂટીન મુજબ રાત્રે 9.15 કલાકની આસપાસ પોતાની પેઢીએથી હીરા, રોકડ વગેરે વસ્તુઓ થેલામાં મુકી તેની પેઢીએથી અન્ય બાલાભાઈ નામના કર્મચારીના બાઈક પર પેઢીથી માત્ર બસો એક મીટર દુર આવેલ નિર્મળનગર નાકા અંબીકા મેડીકલ પાસે તેઓને રૂટીન કામ મુજબ લેવા આવતી કુરીયરની જીપ સુધી મુકવા જતા હતા તે દરમ્યાન રસ્તામાં તેની સામે બાઈક પર આવેલ બે અજાણ્યા હેલમેટ પહેરેલ શખ્સોએ અંકીતભાઈને છરી બતાવી તેની પાસે રહેલ થેલો ઝુંટવી પળવારમાં બાઈક પર જ નાસી છુટ્યા હતા. અચાનક થયેલ આ લૂંટથી ગભરાઈ ગયેલ આ કર્મચારીઓએ દેકારા પડકારા કરતા અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા પરંતુ માત્ર ચાર મીનીટમાં લૂંટારૂઓ લૂંટ કરી નાસી છુટ્યા હતા.

GPSના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી
ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નાકાબંધી સહીતના પગલા ભરી ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હીરાના થેલા સાથે GPS મશીન મુકેલું હોવાથી પોલીસે લૂંટારૂઓનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી. જી.પી.એસના આધારે લોકેશન કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટી તરફ નીકળતા પોલીસે એ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. લૂંટારૂઓ બાઇક મુકી કારમાં ભાવનગરની બહાર જવા માટે નિકળ્યા હતા ત્યારે પોલીસે નાકાબંધી કરી હોવાથી અને હીરાના થેલામાં રહેલ GPS મશીનનાં કારણે માઢીયા રોડ ઉપરથી આ બંને લૂંટારૂઓ રૂપિયા 20 લાખ 40 હજારનાં રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. ડીવાયએસપી મનિષ ઠાકરે જણાવ્યું હતું કે, ઝડપાયેલા શખ્સોમાં કુંભારવાડાનાં ભરત મેરાભાઇ ચોસલા અને લાલા ભાયાભાઇ આલગોતરને ઝડપી લીધેલ છે.

ફર્સ્ટ પર્સન | છરી બતાવી, થેલો ઝુંટવી બન્ને શખ્સો ભાગી ગયા…
રાત્રે નવ વાગ્યાથી આસપાસ ક્રિસ્ટલ બિલ્ડીંગમાં ઓલી આર. મહેન્દ્ર આંગડીયા પેઢીમાંથી અમારો કર્મચારી અંકિત માલ લઈ જીપમાં જવા માટે મેઈન રસ્તા પર આવેલ અંબીકા મેડિકલ સુધી જવા માટે બાઈક પાછળ બેસીને નીકળ્યો હતો. બાઈક અમારા કર્મચારી બાલાભાઈ ચલાવતા હતા. તે સમયે નિર્મળનગર રામજીમંદિરવાળા ખાંચામાંથી માથે હેલમેટ પહેરી હતી તેવા બે અજાણ્યા બાઈક સવારો આવ્યા અને અંકિત પાસેથી થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો અંકિતે સામનો કરતા બાઈકની પાછળ બેઠેલા શખ્સે છરી જેવું હથીયાર કાઢ્યું અને થેલો આંચકીને ભાગી ગયા હતા. આ થેલામાં અંદાજે 10 થી 12 પેકેટ હતા. બાઈક ચલાવતા બાલાભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ આવી છે અને ચારે તરફ નાકાબંધી કરી છે. : આર મહેન્દ્ર આંગડીયા પેઢીના સંચાલક, રવિભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here