મહારાષ્ટ્રમાં હવે ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે શિંદે સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા કરવામાં આવેલી નિમણૂકો અને ઉતાવળે લેવાયેલા નિર્ણયોને આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ અમલમાં લાવવાને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ સાથે આચાર સંહિતા લાગુ રહે ત્યાં સુધી નિર્ણય-નિમણૂકને યથાવત્ રાખવાનો આદેશ આપ્યો પણ સરકારે તેનું અમલ ન કર્યું અને નિર્ણયો લાગુ કરી અને ટેન્ડર પણ જાહેર કરી દીધા. જેને ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવતા આ મામલે ગંભીરતા દાખવી અને શિંદે સરકારને વિસ્તૃત અહેવાલ રજૂ કરવા ફરમાન કર્યું છે.
જોકે ચૂંટણી પંચની કાર્યવાહી અને આક્રમક વલણ બાદ રાજ્યની સરકારે આચાર સંહિતા દરમિયાન સરકારી વેબસાઈટ પર જાહેર કરાયેલા 103 નિર્ણય (GR) અને 8 ટેન્ડર રદ કરી દીધા હતા.
અહેવાલ અનુસાર 15 ઓક્ટોબરે બપોરે 3.30 વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે, પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ મહારાષ્ટ્રની શિંદે સરકારે તેની સત્તાવાર વેબસાઇટ પર લગભગ 200 દરખાસ્ત, નિમણૂંક અને ટેન્ડરો જાહેર કર્યા હતા. જેને જોતાં જ ચૂંટણી પંચે શિંદે સરકારને એક પત્ર મોકલ્યો, જેમાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી અને આદેશ આપવામાં આવ્યો હતો કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી સરકારી નિર્ણયો, આદેશો અને ટેન્ડરો જાહેર ન કરી શકાય. શિંદે સરકારે ચૂંટણી પંચના આદેશની અવગણના કરી હતી. જેના બાદ ચૂંટણી પંચના આ પત્ર પછી શિંદે સરકારે ઉતાવળમાં વેબસાઈટ પર અપલોડ કરાયેલા પ્રપોઝલ, ઓર્ડર અને ટેન્ડરને હટાવી દીધા.