કોરોના પર કોંગ્રેસનું મંથન : રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

0
12

નવી દિલ્હી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના મહામારી વિશે અલગ-અલગ ફિલ્ડના દેશ-વિદેશના એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે વાતચીતથી આ સીરિઝની શરૂઆત કરવામાં આવી છે. રાહુલે રાજનને પૂછ્યું હતું કે, ગરીબોની મદદ માટે કેટલો ખર્ચ કરવો પડશે? ત્યારે રાજને જવાબ આપ્યો હતો કે તેના માટે અંદાજે 65 હજાર કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે આ રકમ દેશની જીડીપીની સરખામણીએ કઈ જ નથી. ગરીબોને બચાવવા માટે ખર્ચ કરવો જોઈએ.

લોકડાઉન લાંબો સમય સુધી ન ચાલી શકે: રાજન

ઈકોનોમી પર કોરોનાની અસર વિશે રાજને કહ્યું કે, ભારત આ મોકાનો ફાયદો ઉઠાવી શકે છે. ઈન્ડસ્ટ્રી અને સપ્લાય ચેનમાં ખાસ જગ્યા બનાવવાનો આ મોકો છે. રાજને કહ્યું કે, લોકડાઉન લાંબો સમય ચાલુ ન રાખી શકીએ. કોરોના વિશે રાહુલ ગાંધીની સીરિઝ વિશે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બુધવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

રાહુલ ગાંધીને ગ્લોબલ લિડર તરીકે રજૂ કરવાની સ્ટ્રેટજી: રિપોર્ટ

ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ સપ્તાહમાં એક અથવા બે વાર આ પ્રકારની ચર્ચા કરશે. આ સીરિઝીના બીજા ભાગમાં સ્વીડનના વીરોલોજિસ્ટ સાથે કોરોના મહામારીને ટક્કર આપવા વિશે ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીને ગ્લોબલ લીડર તરીકે રજૂ કરવા માટેની આ સ્ટ્રેટજી હોઈ શકે છે.

અસમાનતા સામે લડવું તે એક પડકાર, યુપી-તમિલનાડું માટે એક જ નીતી યોગ્ય નથીઃ રાહુલ

આ ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય સમાજની વ્યવસ્થા અમેરિકાના સમાજથી ખૂબ જ અલગ છે, એવામાં સામાજિક ફેરફાર જરૂરી છે. દરેક રાજ્યની અલગ રીત છે તમિલનાડું અને ઉતર પ્રદેશને એક રીતે ન જોઈ શકાય. રાહુલે કહ્યું આજે જે પ્રકારની અસમાનતા છે, તે ખૂબ જ ચિંતાનો વિષય છે.

શું કહ્યું અર્થશાસ્ત્રી રઘુરામ રાજને

અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે આપણી પાસે લોકોના જીવનને સારી બનાવવાની રીત છે, ફૂડ, હેલ્થ એજ્યુકેશન પર ઘણા રાજ્યોએ સારુ કામ કર્યું છે. જોકે સૌથી મોટો પડકાર લોઅર મિડલ કલાસ અને મિડલ કલાસ માટે છે, જેમની પાસે સારી જોબ નહિ હોય. આજના સમયની એ માંગ છે કે લોકોને માત્ર સરકારી નોકરીઓ પર નિર્ભર ન રાખવામાં આવે, તેમના માટે નવી તકોનું સર્જન કરવામાં આવે.

અર્થવ્યવસ્થાને કઈ રીતે ખોલવામાં આવે ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું આજે લોકોના મગજમાં ઘણાં પ્રકારના સવાલ છે, કોરોનાવાઈરસના પગલે અર્થવ્યવસ્થાને લઈને પણ ઘણી ચિંતા છે. એવામાં આ બધા પડકારોને કઈ રીતે પાર પાડી શકાય, તે અંગે તમારો શું મત છે. જવાબમાં રઘુરામ રાજને કહ્યું કે કોરોનાને હરાવવાની સાથે આપણે સામાન્ય લોકોના રોજગાર વિશે વિચારવું પડશે, તેના માટે વર્કપ્લેસને સુરક્ષિત કરવું જરૂરી છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે બીજું લોકડાઉન લાગુ કરવાનો અર્થ જ એ થાય છે કે તમે લોકડાઉન ખોલવા માટે યોગ્ય તૈયારી કરી શકયા નથી. હાલ લોકોના મનમાં સવાલ છે કે શું લોકડાઉન 3 પણ આવશે. જો આપણે એવો વિચાર કરીશું કે શૂન્ય કેસ થાય ત્યારે જ લોકડાઉન ખોલવામાં આવે તો તે અશકય છે.

કોરોનાવાઈરસના ટેસ્ટિંગને લઈને સવાલ

કોંગ્રેસ નેતા રાહુલે પૂછ્યું કે દેશમાં ટેસ્ટિંગને લઈને ઘણા પ્રકારના સવાલ છે. બીજા દેશોની સરખામણીએ અહીં ઘણું ઓછું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. રઘુરામ રાજને કહ્યું કે જો અર્થવ્યવસ્થાને ખોલવા માંગીએ છે તો ટેસ્ટિંગની ક્ષમતાને વધારવી પડશે. આપણે માસ ટેસ્ટિંગ તરફ જવું પડશે. જેમાં કોઈ પણ 1000 સેમ્પલ લઈને તેનો ટેસ્ટ કરવો પડશે. અમેરિકા આજે લાખો ટેસ્ટ રોજ કરી રહ્યું છે પરંતુ આપણે 20થી 30 હજારની વચ્ચે છીએ.

કોરોના સંકટથી ભારતને શું લાભ થશે ?

કોરોના સંકટથી ભારતને લાભ થવા અંગે રાહુલ ગાંધીએ પૂછેલા સવાલના જવાબમાં રઘુરામ રાજને કહ્યું કે મોટા ભાગના સંજોગોમાં આ પ્રકારની ઘટનાઓનો સારો પ્રભાવ હોતો નથી. જોકે ભારત માટે આ એક તક છે, તેમાં તે તેની ઈન્ડસ્ટ્રીને વિશ્વ સુધી પહોંચાડે. અર્થવ્યવસ્થાને લઈને સર્જાયેલા પડકારોને લઈને રાજને કહ્યું કે આપણે ઝડપથી અર્થવ્યવસ્થાને ખોલવા તરફ પગલા લેવા પડશે, કારણ કે આપણી પાસે બીજા દેશોની જેમ સારી વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે જે આંકડા છે તે ચિંતા પેદા કરનારા છે, સીએમઆઈઆઈએ કહ્યું કે 10 કરોડ જેટલા લોકો વર્કફોર્સમાંથી બહાર થઈ જશે, આપણે મોટા પગલા ભરવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here