કોરોના વાઇરસ : યાત્રિકોના સંપર્કમાં આવેલા 2624 લોકોની એક જ દિવસમાં તપાસ કરાઈ,

0
7

રાજકોટઃ રાજકોટમાં વિદેશથી પરત આવેલા યાત્રિકોમાં વધુ 6નો ઉમેરો થયો છે. આ તમામને ઘરમાં જ રહેવા આરોગ્ય વિભાગે સૂચના આપી હોમ ક્વોરન્ટીન કર્યા છે. આ સાથે કુલ સંખ્યા 116 થઈ છે અને તેમની નિયમિત તપાસ થઈ રહી છે સોમવારે સાંજે કોરોનાના લક્ષણ સાથે યુવાનને આઈસોલેશન વોર્ડમાં લવાયો હતો જો કે તેનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે શહેર અને જિલ્લામાં હોમ ક્વોરન્ટીન કરેલા તમામ 116 લોકોના સંપર્કમાં આવેલા પરિવારજનો તેમજ મિત્રવર્તુળનું કોરોના માટે સ્ક્રીનિંગ ચાલુ કરી દીધું છે. આરોગ્ય વિભાગે ક્લોઝ કોન્ટેક્ટની શક્યતા 700 લોકોની હતી પણ મંગળવારે તપાસ શરૂ કરતા આંકડો 2624 કરતા વધ્યો છે. આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર 1632ની રાજકોટ શહેરમાં જ્યારે 992 લોકોની ગ્રામ્ય વિસ્તારમાં તપાસ થઈ છે. ગ્રામ્યના 992 પૈકી 311 એવા સિનિયર સિટિઝન છે કે જેઓને ડાયાબિટીસ તેમજ હાઇપર ટેન્શનની તકલીફ છે. જો કે એકપણ કોન્ટેકમાં કોરોનાના લક્ષણ દેખાયા નથી. મંગળવારથી શહેર અને જિલ્લાના વૃદ્ધાશ્રમોમાં પણ વડીલોની તપાસ શરૂ કરી દેવાઈ છે ત્યારબાદ રહેણાક વિસ્તારોમાં સિનિયર સિટિઝનનું સ્ક્રીનિંગ થશે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં આ પગલાં લેવાયા

2 ક્લાસિસ બંધ કરાવાયા

સરકારના આદેશ મુજબ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું છે તે માટે મનપાએ 15 ક્લાસિસમાં ચેકિંગ કર્યું હતું જેમાં કર્મયોગી એકેડેમી તેમજ સ્પીડ કમ્પ્યૂટર ચાલુ હતા જેને બંધ કરાવ્યા છે.

માસ્કની કાળાબજારી રોકવા પ્રયાસ

કોરોનાના હાઉને કારણે માસ્કની ખૂબ કાળાબજારી થઈ રહી છે જેથી સરકારે તેને આવશ્યક ચીજવસ્તુ હેઠળ લીધી છે. સંગ્રહખોરી અને ખોટા ભાવ અટકાવવા વહીવટી તંત્ર દરરોજ મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરે છે.

72 વ્યક્તિને થૂંકવા બદલ દંડ

થૂંકને કારણે ચેપ ફેલાવાની શક્યતા વધુ હોવાથી તેને અટકાવવા માટે દંડ લાગુ કરાયો છે. મંગળવારે જાહેરમાં થૂંકતા હોય તેવા 72 લોકો પાસેથી 36000 રૂપિયાનો દંડ વસૂલાયો છે.

31 માર્ચ સુધી રાજકોટ આવતી જતી ટ્રેન રદ

  1. 59503 ઓખા-વિરમગામ લોકલ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ 2020 સુધી 59504 વિરમગામ-ઓખા લોકલ ટ્રેન 19 માર્ચથી 01 એપ્રિલ 2020 સુધી
  2. 59547 રાજકોટ-અમદાવાદ લોકલ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ 2020 સુધી
  3. 59548 અમદાવાદ-રાજકોટ લોકલ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી
  4. 59551 રાજકોટ-ઓખા લોકલ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી
  5. 59552 ઓખા-રાજકોટ લોકલ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી
  6. 79454 ડેમુ ટ્રેન રાજકોટ-મોરબી વચ્ચે 18 માર્ચથી 31 માર્ચ 2020 સુધી
  7. મોરબી-રાજકોટ વચ્ચે 79445 ડેમુ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ 2020 સુધી
  8. 79449 મોરબી-માળિયા મિયાણા ડેમુ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ 2020 સુધી
  9. 79450 માળિયા મિયાણા-મોરબી ડેમુ ટ્રેન 18 માર્ચથી 31 માર્ચ 2020 સુધી

કોરોનાના કારણે લગ્ન જ મોકૂફ

સરકારે વિદેશથી આવતા મુસાફરોને 14 દિવસ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવા આદેશ કર્યો છે. જેના પગલે એનઆરઆઇએ લગ્ન જ મોકૂફ રાખ્યા છે. મૂળ સુરતનો વરરાજો કેનેડાથી આવી ઇટાલીમાં અભ્યાસ કરતી અને મૂળ જેતપુરના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિની દીકરી સાથે 5 એપ્રિલે લગ્નનુ મુહૂર્ત નક્કી કર્યું હતું.

વ્રજરાજકુમારજીની કથા રદઃ એપ્રિલમાં યુએસએના લોસ એન્જેલસ, હ્યુસ્ટન, ડેટ્રોઈડ સહિત ચાર સ્થળોએ વ્રજરાજકુમારજી મહોદયની 4 કથાનું આયોજન હતું. કોરોનાને પગલે તેમનો પ્રવાસ 2 મહિના માટે મોકૂફ રાખ્યો હોવાનું વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે.

મારવાડી યુનિવર્સિટીમાં ઓનલાઈન ક્લાસ

તા.16થી 29 સુધી તમામ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે મારવાડી યુનિવર્સિટીએ ગૂગલ મીટ, ગૂગલ ક્લાસ તથા વેબિનાર જેવા પ્લેટફોર્મ વડે ઓનલાઈન ક્લાસ ચાલુ કર્યા છે.

વિદેશથી 271 ભારતીયો રાજકોટ જિલ્લામાં આવ્યા છે

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વિદેશથી 271 ભારતીયો રાજકોટ જિલ્લામાં આવ્યા છે. તમામને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. 14 દિવસનો સમયગાળો પૂર્ણ થતા તેમને સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. બે વ્યક્તિઓમાં હાલ કોરોના વાઇરસ શંકાસ્પદ જણાયો છે. 19 વર્ષીય યુવાન ઇંગ્લેન્ડથી પરત ફર્યો છે. 69 વર્ષીય વૃદ્ધામાં પણ લક્ષણો જણાયા છે. બંનેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં બનેનો રિપોર્ટ આવશે. અત્યાર સુધીમાં 5 વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. તમામ વ્યક્તિઓના રિપોર્ટ હજુ સુધી નેગેટિવ આવ્યા છે.

રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમે 45 હોટલ અને રેસ્ટોરન્ટને તકેદારી રાખવા આદેશ આપ્યા

હાલ પ્રવર્તમાન નોવેલ કોરાના વાયરસની પરિસ્થિતિની ધ્યાને લઇ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા સાવચેતીના પગલારૂપે રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને તકેદારી માટે સ્થળ પર હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરવા સૂચના અપાઇ છે. તેમજ વિદેશથી આવતા ગેસ્ટને થર્મલ બોડી સ્કેનર (કોન્ટેક્ટલેસ ઇન્ફ્રારેડ થર્મોમીટર) વડે થર્મલ સ્ક્રીનીગ કરી શંકાસ્પદ જણાતા મુલાકાતીઓ અંગે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાને જાણ કરવા તથા કોરોના હેલ્પલાઇન નંબર 104નો ઉપયોગ કરવા તેમજ આ અંગેની ગાઇડલાઇનને અનુસરવા સુચના આપવામાં આવી છે. શહેરની 45 હોટલ અને રેસ્ટોરન્ટને આ અંગે તકેદારી રાખવા આદેશ આપ્યા છે.

દ્વારકા મંદિરમાં યાત્રિકોને રેલિંગમાં 1 મીટરની જગ્યા રાખવી

કોરોનાને લઈને દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું જાહેર કર્યું છે. દ્વારકા જગત મંદિરમાં આવતા યાત્રિકોને રેલિંગમાં 1 મીટરની જગ્યા રાખવા જાહેર કર્યું છે. ધ્વજા ચડાવવા આવતા યાત્રિકો 25ની મર્યાદામાં આવે તે પણ જાહેર કર્યું. બેટ દ્વારકા જતા યાત્રિકોને બોટમાં કેપેસિટીની 50 ટકા જ બેસાડવામાં આવે તેનું પાલન કરવા પોર્ટ ઓફિસરને જાણ કરાઈ છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં આવનાર વિદેશી યાત્રિકોની જાણ જિલ્લા આરોગ્ય વિભાગને અને પ્રાંત કચેરી દ્વારકાને કરવા આદેશ કરાયો છે.

પાંચ દિવસીય યોજાતા માધવપુરના મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે 5 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ લોકમેળાની મોજ માણવા માટે માધવપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથક અને રાજ્યભરમાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આ મેળાને રાષ્ટ્રીયકક્ષાના મેળામાં રૂપાંતરીત કરી અહીં દેશભરના અલગ અલગ રાજ્યોના પ્રતિનીધિઓને આમંત્રીત કરી લોકમેળાને રાષ્ટ્રીય ફલક લઇ જવામાં આવ્યો હતો. માધવપુર ગામ ખાતે યોજાતા લોકમેળામાં અલગ અલગ રાજ્યોની વિભીન્ન ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તૂત કરવામાં આવતા હતા. પરંતુ કોરોના વાઇરસની દહેશત વચ્ચે આ મેળો રદ કરવામાં આવ્યો છે.

જહાજોના ક્રૂ મેમ્બરોને ક્વોરન્ટાઇન પીરીયડમાં રાખવા માટે 100 બેડની હોસ્પિટલ અલંગમાં બનાવાશે

સમગ્ર વિશ્વને ચિંતામાં ગરકાવ કરનાર પ્રાણઘાતક કોરોના વાઇરસ અંગે સંબંધિત સરકારી વિભાગો, અધિકારીઓ સતત મીટિંગોનો દોર ચલાવી રહ્યા છે. અલંગમાં ભંગાવા આવતા જહાજોના ક્રૂ મેમ્બરોને ક્વોરન્ટાઇન પીરીયડમાં રાખવા માટે 100 બેડની હોસ્પિટલ અલંગમાં બનાવવા માટેની કવાયત તેજ બનાવવામાં આવી છે. સોમવારે ફોરેન રજીસ્ટ્રેશન ઓફિસર અને ભાવનગર જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ, કસ્ટમ્સ, સરકારી હોસ્પિટલ વિભાગ, હેલ્થ વિભાગ, વિવિધ સરકારી એજન્સીઓ, અલંગ શિપબ્રેકિંગ એસો., શિપિંગ એજન્ટોની મીટિંગ મળી ગઇ હતી. જેમાં સરકાર દ્વારા કોરોના અંગે વખતો-વખત રજૂ કરવામાં આવતા પરિપત્રોનો સ્પષ્ટ અમલ કરાવવા જાણ કરવામાં આવી હતી. શક્ય હોય ત્યાં સુધી રીસ્ટ્રીક્ટેડ 7 દેશોમાંથી અને અંતિમ પોર્ટ હોય તેવા જહાજોની ખરીદી હાલ તુરંત મોડી કરવા જાણ કરી હતી.જહાજ પર ક્રૂની તબીબી ચકાસણી માટે જતા મેડિકલ સ્ટાફને મધદરિયે શિપ પર ચડવા-ઉતરવાની 1 દિવસની તાલીમ આપવા પોર્ટ ઓફિસરને જણાવવામાં આવ્યું હતું. પરપ્રાંતીય મજૂરો પર પણ તબીબી ધ્યાન રાખવા જણાવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here