જ્યારે તેની પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવકના અનૈતિક સંબંધોની જાણ તેની પત્નીને આ મહિલાએ કરી છે. તેવી શંકા રાખીને ગઇ કાલે મોડી રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર મેમ્કો વિજય મિલની પાછળ આવેલા ઔડાના મકાનમાં દીપકભાઇ મનુભાઇ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે અને છૂટક મજુરી કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. દીપકભાઇની ૩૫ વર્ષિય પત્ની જ્યોત્સનાબહેન ઘરકામ કરે છે. જ્યારે તેમની ૧૮ વર્ષિય પુત્રી રોશની પણ ઘરે કામ કરે છે.
ગઇ કાલે મોડી રાત્રે વેજલપુર વિસ્તારમાં રહેતા ભૂપત દંતાણી નામના યુવકે દીપકભાઇના ઘરમાં ઘૂસીને જ્યોત્સનાબહેન પર આડેધડ છરી હુલાવીને હત્યા કરી દીધી હતી. જ્યારે માતાને બચાવવા માટે વચ્ચે પડેલી રોશનીને પણ તે છરી મારીને નાસી ગયો હતો.
દીપકભાઇ જ્યારે ઘરે આવ્યા ત્યારે જ્યોત્સનાબહેનને લોહીથી લથપથ હાલતમાં જોયાં હતાં જ્યારે રોશની તરફડિયાં મારતી હતી. દીપકભાઇએ તરત જ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ જ્યોત્સનાબહેનને મૃત જાહેર કર્યાં હતાં જ્યારે રોશનીને સારવાર હોસ્પિટલમાં લઇ ગયા હતા.
ઘટનાની જાણ શહેરકોટડા પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જ્યોત્સનાબહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે આ મામલે ભૂપત દંતાણી વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર ઔડાના મકાનમાં ચકચાર મચી ગઇ હતી અને લોકોનાં ટોળેટોળાં ફ્લેટ પાસે ઊમટી પડ્યાં હતાં. મોડી રાત્રે ભૂપત દંતાણી જ્યોત્સનાબહેનના ઘરમાં ઘૂસીને આ હિચકારુ કૃત્ય આચર્યું હતું.
શહેરકોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.વાળાએ જણાવ્યું છે કે ભૂપત દંતાણી વેજલપુરમાં રહે છે અને ઔડાના મકાનમાં જ્યોત્સનાબહેનની સામે રહેતી એક પરિણીતા સાથે અનૈતિક સંબંધ ધરાવે છે. ભૂપત દંતાણીની પત્ની તેમજ પરિણીતાના પતિને બન્ને જણાંના સંબંધની જાણ થઇ ગઇ હતી. જેના કારણે બન્નેના ઘરમાં ઝઘડા થવા લાગ્યા હતા. ભૂપતને શંકા હતી કે જ્યાત્સનાબહેન પરિણીતાના પતિ અને તેની પત્નીને જાણ કરી દે છે.
શંકાના આધારે ભૂપતે છેલ્લા ઘણા દિવસથી જ્યોત્સનાને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ધડી નાખ્યો હતો. ગઇ કાલે મોડી રાત્રે ભૂપત તેની પરિણીતાને મળવા માટે આવ્યો ત્યારે અચાનક જ્યોત્સનાના ઘરે પહોંચી ગયો હતો અને મારી પત્નીને શું કામ કહે છે તેમ કહીને આડેધડ છરીઓ હુલાવી દીધી હતી.
ભૂપતે હુમલો કરતાં જ્યાત્સનાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ઔડાના મકાનમાં બુમાબુમ થઇ ગઇ હતી. જ્યોત્સના પર હુમલો થતાં જોઇને તેની પુત્રી રોશની વચ્ચે પડી હતી. જ્યાં ભૂપતે તેને પણ છરીઓ મારી હતી. ચોથા માળ પર બનેલી આ ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ભૂપતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
ખરેખર સાચી હકીકત શું છે તે ભૂપતની ધરપકડ બાદ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ હત્યાના બનાવ બન્યા છે. જૂના વાડજમાં કેસમાં સમાધાન કરી લેવા માટે એક યુવકને જાહેરમાં છરીઓના ઘા ઝીંકીને મોતને ધાટ ઉતારવામાં આવ્યો હતો.
જેમાં અડાલજ પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. જ્યારે ગત શનિવારે સવારે એક યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી મળી આવી હતી. યુવકના મોઢા પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેનું મોત થયું છે.