કેલિફોર્નિયામાં ઉપદ્રવીઓએ 6 ફૂટ ઊંચી ગાંધીજીની પ્રતિમા તોડી, ભારતીયોમાં રોષ.

0
9

દેશમાં આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઊજવવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકાથી મહાત્મા ગાંધીનો અનાદર કરવામાં આવ્યો હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક પાર્કમાં અમુક અજ્ઞાત ઉપદ્રવીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડ-ફોડ કરી છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. બાપુના અનાદરથી નારાજ ભારતીય સમુદાયે આ ઘટનાની તાત્કાલિક તપાસની માગણી કરી છે. આ પહેલાં ડિસેમ્બરમાં વોશિંગ્ટન ડીસીમાં ભારતીય એમ્બેસી સામે મૂકવામાં આવેલી પ્રતિમાને ખાલિસ્તાનીના સમર્થકોએ ખંડિત કર્યા પછી એના પર પેઈન્ટ કરી દીધો હતો. ભારતે અમેરિકન સરકારને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઘટનાની નિંદા કરી છે.

કેવી હતી પ્રતિમા

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ ગાંધી પ્રતિમા કેલિફોર્નિયાના સિટી ઓફ ડેવિસના સેન્ટ્રલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી. એની ઊંચાઈ 6 ફૂટ અને વજન 294 કિલો હતું. બુધવારે સવારે સ્થાનિક લોકોએ જોયું કે ગાંધીજીની પ્રતિમાના પગ નહોતા અને ચહેરાનો અડધો ભાગ પણ તોડી નાખવામાં આવ્યો હતો. પાર્કના એક કર્મચારીએ સૌપ્રથમ આ તૂટેલી પ્રતિમા જોઈ હતી અને પ્રશાસનને એની માહિતી આપી હતી. પ્રતિમાની જગ્યા પણ બદલી દેવામાં આવી છે.

રિપેરિંગ કરવામાં આવશે

પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ પોલ ડોરોશોવે કહ્યું હતું કે હાલ આ પ્રતિમાને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવશે. અમે એનું રિપેરિંગ કરાવીશું. અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે આ ઘટના ક્યારે બની છે, પરંતુ આ ઐતિહાસિક પ્રતિમાના અપમાનથી લોકોમાં નારાજગી છે. અમે આ વિશે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ.

ભારત સરકારે ગિફ્ટ કરી હતી

ભારત સરકારે ચાર વર્ષ પહેલાં ડેવિસ સિટીને ગાંધીજીની પ્રતિમા ડોનેટ કરી હતી. એને સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવામાં આવી હતી. જોકે ત્યારે પણ એન્ટી ગાંધી અને એન્ટી ઈન્ડિયાના લોકોએ એનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને ઓર્ગેનાઈઝેશન ફોર માઈનોરિટીઝ ઈન ઈન્ડિયા (OFMI)એ એનો વિરોધ કર્યો હતો. થોડા દિવસ પહેલાં જ આ પ્રતિમા હટાવવાની માગ કરી હતી.

ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ્સ (FISI)એ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેના નેતા ગૌરાંગ દેસાઈએ કહ્યું છે કે અમુક ભારતવિરોધી લોકો અહીં નફરત ફેલાવી રહ્યા છે. એમાં ખાલિસ્તાની સમર્થકો પણ સામેલ છે. અહીં હિન્દુ ફોબિયા ફેલાવામાં આવી રહ્યો છે.

નવાઈની વાત એ છે કે 2016માં OFMIએ કેલિફોર્નિયાની સ્કૂલોમાં ભણાવવામાં આવતાં પુસ્તકોમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાની માગણી કરી હતી. તેમનું કહેવું હતું કે ઈન્ડિયાની જગ્યાએ સાઉથ એશિયાનો શબ્દનો ઉપયોગ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here