સુરત : ડિંડોલીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકની ગળુ દબાવી હત્યા કરી લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી

0
0

ડિંડોલી ભેસ્તાન-મુંબઈ રેલવે ટ્રેક ઉપર જરીના કારીગરને મારીને ફેંકી દેનાર કોન્ટ્રાકટર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એડવાન્સ રૂપિયાને લઈ થયેલા ઝઘડા બાદ કોન્ટ્રાકટરે કારીગરની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ ગૂમ દીકરાને શોધતા પિતા સાથે આખો દિવસ રહેનાર કોન્ટ્રાક્ટરે રીક્ષા ચાલકને હત્યા કરી રેલવે ટ્રેક પર ફેંકી દીધો હોવાની કબૂલાત કર્યા બાદ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

એડવાન્સમાં રૂપિયા મંગાયા હતા
સંજયસિંગ મગદેવસિંગ ભૂમિહાર (મૃતક દીકરા નિલેશના પિતા) એ જણાવ્યું હતું કે, 19 વર્ષીય દીકરો નિલેશ જરીના કારખાનામાં ઓપરેટર તરીકે કોન્ટ્રાકટર સેન્તુ અરુણસિંગ ભૂમિહાર ત્યાં કામ કરતો હતો. નિલેશે કોન્ટ્રાકટર પાસે એડવાન્સ રૂપિયા માગ્યા હતા. જોકે સેન્તુએ 500 રૂપિયા આપી બીજા રૂપિયાની વ્યવસ્થા થાય એટલે કરી આપીશ એમ કહ્યું હતું. ત્યારબાદ 12મી એ સવારે નિલેશ કામ પર ગયા બાદ પરત આવ્યો ન હતો. એજ દિવસે કોન્ટ્રાકટર સેન્તુ ઘરે મળવા આવ્યો હતો અને નિલેશ મારી ચપ્પલ અને મોબાઈલ લઈને ચાલ્યો ગયો છે એમ કહ્યું હતું. જેથી મેં નિલેશને ફોન કરતા એણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ નિલેશનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. આખો દિવસ એની રાહ જોયા બાદ રાત્રે પણ એ ઘરે આવ્યો ન હતો.

રિક્ષાચાલકને આરોપીએ હકીકત કહી
દીકરાની શોધખોળ વચ્ચે કોન્ટ્રાકટર સેન્તુ ફરી ઘરે આવ્યો હતો અને કહેતો હતો કે, નિલેશની માતાની તબિયત સારી ન હોવાનું કહી રૂપિયા અને મોબાઈલ લઈ ગયો છે. ચાલો મારી સાથે અને મને (મૃતકના પિતાને)દવા અપાવો એમ કહી એ મને બહાર લઈ ગયો હતો. જ્યાં ઉભેલી એક રીક્ષામાં બેસાડી મને કારખાને લઈ જવા દબાણ કરતો હતો. જોકે હું આઉ છું એમ કરી મારા નાના દીકરાને હકીકત કહેવા ગયો હતો. ત્યારે સેન્તુએ રીક્ષા ચાલકને કહ્યું હતું કે, મેં આના દીકરાને મારીને રેલવે ટ્રેક પર ફેંકી દીધો છે એમ સંજયસિંગે વધુમાં ઉમેર્યું હતું.

આરોપી રિક્ષામાંથી કુદીને ભાગી ગયો
મૃતકના પિતાએ વધુમાં કહ્યું કે, હું આવીને રિક્ષામાં બેસી ગયો ત્યારબાદ સેન્તુ મને એના કારખાને લઈ ગયો હતો. જ્યાં રિક્ષામાં બેસાડી એ ઉપર ગયો હતો. ત્યારે રીક્ષા ચાલકે મને તમામ હકીકત કહી દેતા હું ચોકી ગયો હતો. સેન્તુ પાછળ હું પણ કારખાનામાં ગયો હતો. ત્યારે એ કારખાનાના માલિક પાસે ગામ જવા માટે રૂપિયા માગી રહ્યો હતો. જેથી હું એ સાંભળીને રિક્ષામાં આવીને બેસી ગયો હતો. ત્યારબાદ સેન્તુ પણ આવીને રિક્ષામાં બેસી ગયો હતો. એવામા જ મારા નાના દીકરાએ ફોન કરી ને કહ્યું કે, નિલેશની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી છે. એટલે મારી શંકા સાચી પડી રહી હતી. જેથી રિક્ષામાં જ મેં સેન્તુને પકડી રાખવાની કોશિષ કરી ડિંડોલી રેલવે ટ્રેક તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એને ભાસ થઈ જતા ચાલુ રિક્ષાએ કૂદી સેન્તુ ભાગી હતો. ત્યારબાદ અમે રેલવે ટ્રેક પર ગયા તો મૃતક મારો દીકરો નિલેશ જ હતો. જેને લઈ મેં પોલીસ અધિકારીઓને તમામ હકીકત જણાવી દીધી હતો. હાલ પોલીસ સેન્તુની શોધખોળ કરી રહી છે.

પોલીસે તપાસ આદરી
અભિજીતસિંહ એમ પરમાર, એસીપી બી ડિવિઝનએ જણાવ્યું હતું કે,સીઆર પાટીલ બ્રિજ નીચે એક યુવકની રેલવે ટ્રેક પરથી લાશ મળી હતી. પ્રાથમિક તબક્કે આ એક્સિડન્ટ હોવાનું લાગતાં પ્રાથમિક ગુનો નોંધાયો હતો. બાદમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર હત્યા એડવાન્સમાં રૂપિયા લીધા હોવાના મુદ્દે થઈ છે. ગળુ દબાવી હત્યા કર્યા બાદ રેલવે ટ્રેક પર લાશ મુકાઈ હોવાથી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here