ફિનલેન્ડમાં 16 વર્ષીય એવા મુર્તો 1 દિવસ માટે પીએમ બની, લિંગભેદ નાબૂદ કરવાના અભિયાન હેઠળ સન્માન મળ્યું

0
32

ફિનલેન્ડમાં ક્લાઈમેટ અને માનવાધિકારના મુદ્દાઓ પર અભિયાન ચલાવનાર 16 વર્ષીય એવા મુર્તોને એક દિવસ માટે વડાપ્રધાન બનાવાઈ છે. દેશમાંથી લિંગભેદનો અંત લાવવાના એક અભિયાન હેઠળ એવાને આ સન્માન અપાયું હતું. આ સન્માન આપવા દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન સના મરીન(34)એ એક દિવસ માટે તેમનું પદ છોડ્યું હતું. એક દિવસના વડાપ્રધાન બની એવા મુર્તોએ રાજનેતાઓ સાથે મુલાકાત કરી અને ટેક્નોલોજીમાં મહિલાઓના અધિકારો અંગે વાત કરી હતી.

પોતાના ભાષણમાં એવાએ કહ્યું કે આજે અહીં આપ સૌની સામે બોલવામાં ઘણી ખુશી થઈ રહી છે. એક રીતે હું ઈચ્છુ છું કે મારે અહીં ઊભા ન થવું પડે અને છોકરીઓ માટે ચલાવાઈ રહેલા ટેકઓવર જેવાં અભિયાનોની જરૂર ન પડે. જોકે સત્ય એ છે કે આપણે અત્યાર સુધી પૃથ્વી પર ક્યાંય પણ લૈંગિક સમાનતા પ્રાપ્ત કરી જ નથી. જોકે આપણે આ ક્ષેત્રમાં સારું કામ કર્યુ છે, તેમ છતાં હાલ ઘણું કરવાનું બાકી છે.

માનવતાવાદી સંગઠન પ્લાન ઈન્ટરનેશનલની ગર્લ્સ ટેકઓવર પહેલમાં ફિનલેન્ડની ભાગીદારીનું આ ચોથું વર્ષ છે. આ સંગઠન દુનિયાભરના દેશોના કિશોરોને એક દિવસ માટે નેતાઓ અને અન્ય ક્ષેત્રોના પ્રમુખોની ભૂમિકા ભજવવાની મંજૂરી આપે છે. ચાલુ વર્ષે સંગઠનનો ભાર છોકરીઓ માટે ડિજિટલ કૌશલ્ય અને ટેક્નિકલ તકોને વધારવા પર છે.

ઉલ્લેખનીય છે કે સના મરીન ફિનલેન્ડનાં ત્રીજા મહિલા વડાપ્રધાન છે અને 4 અન્ય પાર્ટીઓ સાથે કેન્દ્રમાં ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ ચારેય પાર્ટીઓના અધ્યક્ષ મહિલાઓ છે અને તેમાંથી 3ની વય 35થી ઓછી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here