ગુજરાતમા રૂપાણી સરકારનો યુવાનોને મોટો વાયદો, ૨૦૨૦ માં ૩૪,૦૦૦ નોકરી આપશે

0
25

ગુજરાતમા યુવાનોમા વધી રહેલી બેરોજગારી સમસ્યાને આંશિક રીતે ઓછી કરવાનો વાયદો રૂપાણી સરકારે આપ્યો છે. જેમાં આ વર્ષે ૨૦૨૦માં નવી ૩૪,૦૦૦ સરકારી જગ્યાઓ ભરશે તેમ સીએમ રૂપાણીએ ફેસબુક મારફતે જણાવ્યું હતું. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ફેસબુકના માધ્યમથી યુવાનોને સંદેશો પાઠવ્યો હતો.

જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૩૪ થી ૩૫ હજાર યુવાનોને સરકારી નોકરી અપાશે. એટલું જ નહિ પરંતુ વિવિધ ખાનગી ક્ષેત્રોમાં જોબ ફેર મારફત લાખ યુવાનોને નોકરીની તક પૂરી પડાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓમાં ભ્રમ ફેલાવવામા આવી રહ્યો છે.પરંતુ રાજ્ય સરકારે જે વિદ્યાર્થી હોશિયાર છે, ઇમાનદાર છે તેની મહેનત એળે ના જાય તેની ચિંતા કરી છે. અને તે અંતર્ગત હવે ચાલુ વર્ષે પણ ૩૪ થી ૩૫ હજાર યુવાનોને નોકરી મળે એ દિશામાં સરકાર કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. શિક્ષિત યુવાનોને નોકરી-રોજગારી આપવાના ભાજપ સરકારના દાવા સામે અનેક સવાલો ઉભા થયા છે. વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૫.૩૭ લાખ બેરોજગારોની નોંધણી થઈ છે જેમાંથી માત્ર ૧૨,૮૬૯ ને જ સરકારી નોકરી આપવામાં આવી છે.

વિધાનસભામાં કોંગ્રેસના સભ્યએ પુછેલા એક પ્રશ્નનના ઉત્તરમાં આ જવાબ મળ્યો છે. અમદાવાદમાં ૬૨૨૦૮ બેરોજગારો નોંધાયા હતા. જેમા માત્ર ૪૧૧ને જ સરકારી નોકરી મળી છે. ખેડામાં ૨૦૯૮૮ , પંચમહાલમાં ૧૩૨૨૭ , વલસાડમાં ૧૪૯૬૭ બેરોજગારો નોંધાયેલા છે. જેમાં એકને પણ સરકારી નોકરી મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here