ગુજરાતમાં સરકાર, ભાજપ સંગઠન અને અધિકારીઓમાં મોટા પાયે ફેરફારો થશે, તૈયારીઓ પૂરજોશમાં

0
4

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અનલોક-1 સાથે જનજીવન થાળે પડી રહ્યું છે, સાથે સાથે રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફારોની સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓમાં પણ બદલીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ હોવાથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તેની સાથે જ રાજ્યના IAS અને IPS અધિકારીઓની બદલીઓ પણ થવાની શક્યતાઓ છે.

3 મહિનાથી ભાજપના સંગઠનની નવી રચનાનું કોકડું ગુંચવાયેલું

છેલ્લા 3 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં ફેરફારો સાથે સંગઠનની નવી રચનાનું કોકડું ગુંચવાયેલું છે. જો કે હવે આવી રહેલી નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પહેલા એટલે કે આગામી 10 દિવસમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ શકે છે. એટલું જ નહીં મહાનગરોના નવા પક્ષ પ્રમુખ સહિત ભાજપ પ્રદેશ સંગઠનની નવી રચના અંગેની પણ જાહેરાત થશે.

સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની પેટાચૂંટણી એક સાથે થઈ શકે

રાજ્યમાં કેટલીક નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજવાની થાય છે તો બીજી તરફ 8 ધારાસભ્યએ રાજીનામા ધરી દેતા તેની પણ પેટાચૂંટણી યોજાશે. આમ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સાથે સાથે જ યોજાશે. જેને ધ્યાને લઇને ભાજપ હાઈકમાન્ડ દ્વારા હવે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન અને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર કરવા માટેની તૈયારી કરી છે.

IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓ, મંજૂરીની મહોર લાગી ગઈ 

બીજી બાજુ રાજ્યના IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓ થશે. કોરોનાના કારણે અનેક અધિકારીઓ નિવૃત્ત થયા બાદ પણ ફરજ બજાવી રહ્યાં છે જયારે કેટલાક ની બદલી ની ઘડીઓ પણ ગણાતી હતી પરંતુકોરોના ના કારણે અટકી પડી હતી ત્યારે હવે ભાજપના હાઈ કમાન્ડે ગુજરાતના  IAS અને IPSની બદલી માટે ગુજરાત સરકાર પાસે માગેલી યાદીમાં થોડા ફેરફાર સાથે તેને મંજૂરીની મહોર મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે.