બોટાદના ઈશ્વરીયામાં લોકો ઘેલો નદી જીવના જોખમે પાર કરે છે, પુલ બનાવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર

0
22

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ઈશ્વરીયા ગામ કે જ્યાં ગામમાં પ્રવેશવા માટે ઘેલો નદી પસાર કરીને જ જવું પડે છે. ત્યારે ચાલુ વર્ષે પડેલા સતત વરસાદના કારણે ઘેલો નદી સતત નદી ઓવરફલો જઈ રહી છે. ત્યારે નદીના આ કાંઠે ગામ છે, તો સામા કાંઠે વાડી તેમજ બોટાદ તરફ જવા માટેનો મુખ્ય માર્ગ છે. જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ પુલ બનાવવની માંગ ઉચ્ચ કક્ષાએ કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી. જેથી સ્થાનિકો ચિમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પુલ બનાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

ઘેલો નદી પર પુલ બનાવવાની માંગ

ઘેલો નદી સતત છલકાતી હોવાથી લોકોને વાડીએ જવા માટે, દવાખાનાના કામ માટે કે પછી વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા જવા માટે નદીમાં ગળાડૂબ પાણીમાંથી પસાર થવું છે. આ સમસ્યા છેલ્લા 70 વર્ષથી ગામ લોકો ભોગવી રહ્યા છે. ત્યારે પુલ બનાવવાની માંગને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ કોઈ નિકાલ આવતો નથી. ત્યારે વહેલી તકે જો પુલ નહીં બનાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીની ગામ લોકો ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.

વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

બોટાદ જિલ્લામાં સતત વરસેલા વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે હજુ પણ ઘેલો નદી બે કાંઠે સતત વહી રહી છે. ઈશ્વરીયા ગામ કે જે ગામની વસ્તી અંદાજે 5 હજારથી પણ વધુ છે, જ્યારે એક હજારથી પણ વધુ પશુઓ છે, ત્યારે ગ્રામજનનો છેલ્લા 70 વર્ષથી એકમાત્ર પ્રાણ પ્રશ્ન છે. સ્થાનિકોએ ઘેલો નદી પર પુલ બનાવવાની માંગને લઈને મામલતદાર, ધારાસભ્ય અને કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધી તમામ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિકાલ આવતો નથી. ત્યારે સમસ્ત ગ્રામજનોની એક જ માંગ છે કે હવે જો વહેલી તકે પુલ બનાવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. સ્થાનિકોનું કહેવું છે કે સામાકાંઠે ખેતરો આવેલા છે. જ્યાં નહીં જઈ શકવાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓને પણ ખૂબ જ હાલાકીનો સામનો દર વર્ષે કરવો પડે છે. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here