રાજકોટ : કુબલીયપરામાં ઘર પચાવી પાડવા પાંચ શખ્સોએ હુમલો કરી ઘરમાં આગ ચાંપી : ઘરવખરી બળીને ખાખ.

0
15

રાજકોટમાં કુબલીયાપરામાં રહેતાં દેવીપૂજક પરિવારના ઘરના આગળના ભાગમાં આવેલા મકાનને પચાવી પાડવાના ઈરાદે પાંચ શખ્સોએ ઘરના સભ્યો પર હુમલો કરી ઘરમાં આગ લગાડી દીધી હતી. સંયુક્ત માલિકીનું આ મકાન આ વિસ્તારના જ મા-દિકરા સહિતે પચાવી પાડવા પ્રયાસ કરતાં તેને અટકાવતાં સવારે ઝઘડો થયો હતો. બાદમાં બીજા ત્રણ જણાને લઇને આવી પથ્થરમારો-ઇંટોના ઘા કરતાં દેવીપૂજક પરિવારના સભ્યો પાછળની ડેલીમાંથી બહાર નીકળી ગયા હતા અને આ પાંચેય શખ્સોએ ઘરમાં આગ લગાડી દેતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

બનાવ અંગે થોરાળા પોલીસે કુબલીયાપરા-5માં રહેતાં અને મજૂરી કરતાં ભરતભાઇ હરિભાઇ જાડેજા(ઉં.વ.47)ની ફરિયાદ પરથી સાગર મંજુભાઇ સોલંકી, મુક્તાબેન ઉર્ફ કાળી, ભુપત પોપટભાઇ પરમાર, સુનિલ ભુપતભાઇ અને પાંચા ભુપતભાઇ સામે IPC 436, 504, 436, 504, 336, 143, 147, 149, 135 મુજબ ગુનો નોંધ્યો છે.

પાંચ શખ્સોએ બંધ બારણું ખોલવાની કોશિશ કરી ઝઘડો કર્યો

ભરતભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે હું તથા મારા પત્ની શારદા અને મારા બહેન ઉષાબેન તથા બાળકો ઘરે હતાં. ત્યારે થોરાળા ચારબાઇના મંદિર સામે રહેતો સાગર સોલંકી, તેની માતા મુક્તાબેન ઉર્ફ કાળી અમારા ઘરે આવ્યા હતાં અને અમારૂ સંયુકત માલિકીનું મકાન મારા ઘર આગળના ભાગે છે. તેનું બંધ બારણુ ખોલવાની કોશિશ કરતાં હોય તેને મેં શું કામ ખોલો છો? તેમ પૂછતાં ઝઘડો ચાલુ કર્યો હતો.

પાંચ શખ્સોએ પથ્થર-ઈંટના આડેધડ ઘા કર્યા હતા

બાદમાં લોકો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. ત્યારબાદ રવિવારે રાત્રે સાગર, તેની માતા, તેમજ ભુપત પોપટ, સુનિલ, પાંચો સહિત પાંચેય આવ્યા હતાં અને પથ્થર-ઇંટના ઘા આડેધડ ઘા કર્યા હતાં. આથી અમે બચવા માટે બીકના માર્યા ઘરમાં જતાં રહ્યા હતાં અને પાછળની ડેલી ખોલી ત્યાંથી નીકળી ગયા હતાં. એ પછી આ પાંચેયએ અમારા ઘરના નીચેના ભાગે માલસામાન સળગાવી નાંખતાં અમે તથા બીજા માણસો ઠારવા જતાં પાંચેય મારવા દોડ્યા હતાં.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને આગ બૂઝાવી હતી. આગમાં અમારા ઘરમાં રાખેલું ફ્રિઝ, ગાદલા, ટી.વી., ગોદડા તેમજ બીજી ઘરવખરી સળગી જતાં અડધા લાખનું નુકસાન થયું હતું. સાગર અને તેની માતાએ અમારૂ સંયુકત માલિકીનું ઘર પચાવી પાડવાના ઇરાદે આ માથાકૂટ કરી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here