મહેસાણા જિલ્લામાં 6 મહિનામાં આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી 31 મોત, અંતિમધામનો આંકડો 192

0
8

જિલ્લામાં કોરોનામાં મૃત્યુનો આંકડો તંત્ર છુપાવી રહ્યું હોય તેમ આરોગ્ય વિભાગના આંકડા અને કોરોનાગ્રસ્તોના કોવિડ ગાઇડલાઇન મુજબ કરાયેલા અંતિમ સંસ્કારના આંકડામાં આસમાન જમીનનો ફરક જોવા મળે છે. તંત્ર કહે છે કે, જિલ્લામાં મેથી ઓકટોબર એમ 6 મહિનામાં 31 વ્યક્તિઓનું કોરોનાથી મૃત્યુ થયું છે. બીજીબાજુ, આ 6 મહિનામાં મહેસાણા અને વિસનગર મુક્તિધામમાં 192 મૃતદેહોના કોરોનાની ગાઇડલાઇન મુજબ અગ્નિ સંસ્કાર કરાયા છે અને તેની મુક્તિધામના ચોપડામાં નોંધ પણ છે. એટલે કે, સરકારી આંકડા કરતાં 6 ગણા વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

નોંધનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં સિવિલ સર્જન અને તેમની કમિટી નક્કી કરે છે કે દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે કે કેમ? આરોગ્ય વિભાગ ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ, બીપીની બીમારી ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થાય તો તેને કોરોનાથી મૃત્યુ ગણતા નથી, પરંતુ તેને કોમોર્બીડ ગણી નોંધ કરાતી નથી. જોકે, આ દર્દીઓના પીપીઇ કીટ સાથે અગ્નિ સંસ્કાર કરાય છે અને મૃતદેહ પરિવારને સોંપાતો નથી એ પણ એટલી જ હકીકત છે.

પરિવારના લોકો લાશ મૂકતા ડરે છે, 200થી 500 આપી દેહ મુકાવે છે

કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ તેનો દેહ મુક્તિધામમાં લવાય ત્યારે પરિવારના સભ્યો પીપીઇ કીટમાં હોવા છતાં મૃતદેહને ચીમનીમાં મુકવા તૈયાર થતા ન હોવાનું સુપરવાઇઝર અશોકભાઇએ જણાવ્યું હતું. તેમના શબ્દોમાં કહીએ તો, મૃતકના સભ્યોનો ફોન આવે કે બોડી મૂકવા માટે માણસ કરી રાખજો. તેમને રૂ.200-500માં બોડી મૂકનાર વ્યક્તિ કરી આપીએ છીએ. ક્યાંક પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ હોઇ અંતિમધામ આવતા નથી.

વિનુભાઇ ભીલ અત્યાર સુધીમાં 140 કોરોનાગ્રસ્તોને અંતિમસંસ્કાર આપી ચૂક્યા છે

વિસનગર અંતિમધામમાં કામ કરતા વિનુભાઇ ભીલ કોરોનાગ્રસ્ત મૃતક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાં અત્યાર સુધીમાં 140 વ્યક્તિઓને અગ્નિ સંસ્કાર આપી ચૂક્યા છે. તેમનાં પત્ની રેશ્માબેને કહ્યું કે, તેમના પતિ ડાયાબિટીશના દર્દી હોવાની સાથે બે સંતાનોના સ્વાસ્થ્યને લઇ તેમની કામગીરીથી ક્યારેક ડર લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here