આકાશ તરફ આશ : ઉત્તર ગુજરાતમાં 28-29મીએ ભારે વરસાદની આગાહી

0
45

મહેસાણા: એક મહિનાથી વરસાદની રાહ જોઇને બેઠેલા ઉત્તર ગુજરાતમાં રવિવારથી મેઘરાજા જમાવટ કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીનું ડીપ્રેશન અને અપરએર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર મોનસૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનમાં આવી ગયો છે અને બબ્બે સાયક્લોનિક સરક્યુલેશન સાથે સક્રિય છે અને આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળના દરિયાઇ વિસ્તારમાં લો પ્રેશર એરિયા બનનાર છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ હાલમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન તરીકે અફઘાનિસ્તાન અને તેને આનુસંગિક વિસ્તારમાં સ્થિર બન્યું છે, જેને પગલે ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં કેટલાક વિસ્તારોમાં 28-29 જુલાઇ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના પ્રબળ બની છે.

મહેસાણામાં વરસાદે ફરી હાથતાળી આપી
પવન ફૂંકાતાં ઘનઘોર વાદળો માત્ર ઝરમર વરસાવી જતાં રહ્યાં

મહેસાણામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ બંધાયો છે. શુક્રવારે આખો દિવસ ઘનઘોર વાદળો જોવા મળ્યા હતા.બપોરના સમયે ભારે પવન વચ્ચે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. બપોરે 1 વાગે મહેસાણા શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો હતો. પરંતુ 14 થી 15 કિમી ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાદળો ખેંચાઇ જતાં ફરી એકવાર વરસાદે હાથતાળી આપી હતી. જ્યારે વાદળાંને કારણે ગરમીનો પારો એક ડિગ્રી સુધી નીચે જતાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ વાદળોના કારણે વાતાવરણમાં ઉભા થયેલા ઉકળાટે લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા. જિલ્લામાં 26 જુલાઇની સ્થિતિએ 2015માં 172 મીમી, 2016માં 147 મીમી, 2017માં 575 મીમી, 2018માં 154 મીમી અને 2019માં સૌથી ઓછો 119 મીમી વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here