કોરોના ઈન્ડિયા : એક સપ્તાહમાં દેશમાં 5.55 લાખ નવા સંક્રમિત મળ્યા, તે અમેરિકા અને બ્રાઝીલની સરખામણીમાં બે ગણાથી વધુ; ભારતમાં અત્યાર સુધીમાં 50.18 લાખ કેસ

0
0

દેશમાં કોરોનાના કેસ 50 લાખથી વધુ વધી ગયા છે. રોજ 85થી 96 હજારની વચ્ચે દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. જો આ જ ટ્રેન્ડ રહ્યો તો નવેમ્બર સુધીમાં એક કરોડ કેસ થઈ જશે. ગત સપ્તાહ પર નજર કરીએ તો વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં પ્રકાશમાં આવ્યા છે.

વિશ્વના ત્રણ સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા, ભારત અને બ્રાઝીલના 9થી 15 સપ્ટેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો આ દરમિયાન દેશમાં 5 લાખ 55 હજાર 38 કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે અમેરિકામાં 2 લાખ 27 હજાર 55 અને બ્રાઝીલમાં 1 લાખ 84 હજાર 977 પોઝિટિવ કેસ મળ્યા છે. આ દરમિયાન સમગ્ર વિશ્વમાં 19 લાખ 53 હજાર 602 સંક્રમિતો વધ્યા છે.

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં 50 લાખ 18 હજાર 34 લોકો સંક્રમિત છે. છેલ્લા 24 કલાકની અંદર 91 હજાર 96 નવા દર્દીઓ વધ્યા છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે તેના આંકડાઓ જાહેર કર્યા છે. તે મુજબ મંગળવારે 90 હજાર 123 દર્દીઓ વધ્યા અને 1290 લોકોના મોત થયા. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50 લાખ 20 હજાર 360 થઈ છે. તેમાંથી 39 લાખ 42 હજાર 361 દર્દીઓ સાજા થયા છે. 9 લાખ 95 હજાર 933 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 82 હજાર 66 લોકોએ જીવ ગુમાવ્યો છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) એ બુધવારે જણાવ્યું કે 15 સપ્ટેમ્બરે 11 લાખ 16 હજાર 842 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 5 કરોડ 94 લાખ 29 હજાર 115 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
  • પુનાના સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનના ટ્રાયલની પરવાનગી મળી ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCJI)એ મંગળવારે રાતે આ મંજૂરી આપી. બ્રિટનમાં આ વેક્સીનના ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિની તબિયત ખરાબ થયા પછી ટ્રાયલને રોકવામાં આવી હતી. હવે અહીં ટ્રાયલ ફરીથી શરૂ થયા છે. આ ઘટના પછી ભારતમાં ડ્રગ કન્ટ્રોલરે 11 સપ્ટેમ્બરે ટ્રાયલને રોકી દીધી હતી.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

સપ્ટેમ્બરના 15 દિવસમાં જે કોરોનાના સંક્રમણ સાથે સંકળાયેલા આંકડાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે, જે ભયજનક છે. રાજ્યમાં હવે પ્રત્યેક દિવસે સરેરાશ 2100 નવા કેસ મળી રહ્યાં છે, જ્યારે ઓગસ્ટમાં આ આંકડાઓ 1300 હતા. રાજ્યમાં 5 દિવસમાં 11 હજાર 674 નવા સંક્રમિતો વધ્યા છે. સંક્રમણ દર 11 ટકાથી વધુ છે. જો આવી સ્થિતિ રહી તો આગામી દરેક મહીને 55 હજારથી વધુ નવા કેસ આવશે. સપ્ટેમ્બરમાં જ 15 દિવસમાં 27 હજાર 563 સંક્રમિતો વધ્યા છે. જ્યારે સમગ્ર ઓગસ્ટમાં આ આંકડાઓ 32 હજાર હતો.

ભોપાલમાં છેલ્લા 15 દિવસથી રોજ સરેરાશ 216 નવા દર્દીઓ મળી રહ્યાં છે, જે સમગ્ર ઓગસ્ટમાં દરેક દિવસે 140 જ હતા. બીજી તરફ જૂના હનુમાનગંજ, જુમેરાતી, જનકપુરીના જથ્થબંધ કરિયાણા બજારને હવે સાંજે 7 વાગ્યે બંધ કરવામાં આવશે. અત્યાર સુધી આ જથ્થાબંધ બજારોની દુકાનો રાતે 10-11 વાગ્યે બંધ થતી હતી.

રાજસ્થાન

મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું આજે કોરોના દરેક વ્યક્તિની લડાઈ બની ગયું છે. જો દરેક વ્યક્તિ 4 સપ્તાહ સુધી માસ્ક લગાવવાનો નિર્ણય કરી લે તો તેનાથી છુટકારો મળી શકે છે. બીજી તરફ સરકારે રાજ્યની ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબમાં કોરોનાના તપાસની ફીસ 2200 રૂપિયાથી ઘટાડીને 1200 રૂપિયા કરી દીધી છે. આ કારણે ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબમાં કોરોનાની તપાસ સૌથી સસ્તી થશે, કારણ કે યુપી અને મહારાષ્ટ્રની ખાનગી લેબમાં આ તપાસ 1600થી 1900 રૂપિયામાં થાય છે.

બિહાર

રાજ્યના સૂચના અને જનસંપર્ક વિભાગના સચિવ અનુપમ કુમારે જણાવ્યું કે રાજ્યનો રિકવરી રેટ 90 ટકાથી વધુ થઈ ગયો છે. જે રાષ્ટ્રીય સરેરાશથી લગભગ 13 ટકા છે. બીજી તરફ જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે અનલોક-4 અંતર્ગત બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનના ઉલ્લંઘનના આરોપમાં છેલ્લા 24 કલાકમાં 464 વાહન જપ્ત કરવામાં આવ્યા છે. 13 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં માસ્ક ન પહેરનાર 4 હજાર 364 વ્યક્તિઓ પાસેથી 2 લાખ 18 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા.

મહારાષ્ટ્ર

રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11 લાખની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 20 હજાર 482 નવા મામલાઓ વધ્યા છે. અત્યાર સુધીમાં 10 લાખ 97 હજાર 856 લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે. તેમાં 7 લાખ 75 હજાર 273 લોકો સાજા થયા છે, જ્યારે 2 લાખ 91 હજાર 797 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 30 હજાર 409 લોકો સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

ઉતરપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 24 કલાકની અંદર 6,895 નવા પોઝિટિવ કેસ વધ્યા છે. જ્યારે 113 સંક્રમિતોના મોત થયા છે. રાહતની વાત એ છે કે એક દિવસમાં 6680 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મંગળવારે લખનઉ કેન્ટથી ભાજપના ધારાસભ્ય સુરેશ ચંદ્ર તિવારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. હાલ રાજ્યમાં 67 હજાર 335 એક્ટિવ દર્દીઓ છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. 2 લાખ 52 હજાર 97 લોકો સાજા થઈ ચૂક્યા છે. 4,606 લોકોના મોત થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here