સુરત : પાંડેસરામાં પાલિકાના ડમ્પરે નોકરી પર જઈ રહેલા સ્કૂટર સવારને અડફેટે લેતા મોત

0
8

સુરત. પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાસ ચોકડી નજીક પાલિકાના ડમ્પરે નોકરી પર જઈ રહેલા સ્કૂટર સવાર આધેડને અડફેટે લીધા હતાં. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્સિડન્ટની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ

પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાસ ચોકડી નજીક પાલિકાની કચરા ગાડી(ડમ્પર)ની અડફેટે સ્કૂટર(Gj 05 NC 1201) આવી ગયું હતું. સીસીટીવી દ્રશ્યો મુજબ સ્કૂટર પર જઈ રહેલા બળવંતભાઈ છોટુભાઈ નાયક (ઉ.વ.આ.50)ના રહે. ઉમરગામ રૂપાલી નહેર ખટોદરાને સાઈડમાંથી ઓવરટેક કરતા ડમ્પરે અડફેટે લીધા હતાં. જેથી રોડ પર પટકાયેલા બળવંતભાઈનું મોત નીપજ્યું હતું.

દીકરીનું સ્કૂટર લઈને જતા હતા

એક દીકરી અને એક દીકરા એમ બે સંતાનોના પિતા બળવંતભાઈ મૂળ ડાકોરના રહેવાસી છે. તેઓ દીકરીનું સ્કૂટર લઈને આજે કામ પર જતાં હતાં એ દરમિયાન સર્જાયેલા એક્સિડન્ટમાં તેમનું મોત નીપજ્યું છે.

હેલ્મેટ માથેથી નીકળી જતા મોત

બળવંતભાઈ હેલમેટ પહેરીને સ્કૂટર પર જઈ રહ્યા હતા આ દરમિયાન ડમ્પરની ટક્કરથી નીચે પટકાયા હતાં. માથે હેલમેટ પહેર્યુ હોવા છતાં એક્સિડન્ટમા બળવંતભાઈનું હેલમેટ નીકળી ગયું હતું. માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું.

પોલીસે તપાસ આદરી

પોલીસ તપાસમાં બળવંતભાઈના પુત્રનું નામ જાણવા મળ્યું હતું.જેથી પોલીસે પરિવારને જાણ કરી હતી. બીજી તરફ એક્સિડન્ટની તપાસ પોલીસે હાથ ધરી છે. રસ્તાને બ્લોક કરી દઈને ડમ્પર અને સ્કૂટરને હટાવી દઈને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.