જમ્મુ-કાશ્મીર : પુલવામામાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા, એક એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ

0
5

જમ્મુ કાશ્મીર. પુલવામા જિલ્લાના કંગન વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી એક જૈશનો કમાન્ડર હતો, જે વિદેશી હોવાનું કહેવાઈ રહ્યું છે. આર્મીના જણાવ્યા મુજબ મરાયેલો આતંકવાદી IED બ્લાસ્ટમાં નિષ્ણાંત હતો. આ એન્કાઉન્ટરમાં એક ભારતીય સૈનિક પણ ઘાયલ થયો છે.

ઇન્ટેલિજન્સ ઇનપુટ પછી નેશનલ રાઇફલ્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ આતંકવાદીઓને શરણાગતિ માટે પણ કહ્યું હતું, પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સાવચેતીના ભાગ રૂપે પુલવામા જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ત્રણ દિવસમાં 3 એન્કાઉન્ટર, 8 આતંકવાદીઓ માર્યા ગયા

પુલવામામાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ બીજી મુઠભેડ હતી. આ પહેલા મંગળવારે પુલવામાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સોમવારે નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ 28 મેથી જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી હતી કે પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરી થઈ શકે છે.

ગયા મહિને 4 એન્કાઉન્ટર, 6 આતંકવાદીઓ માર્યા ગયા

31 મે, કુલગામ: વાનપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
19 મે, શ્રીનગર: સુરક્ષા દળોએ ડાઉનટાઉન વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદીઓને ઠાર માર્યા. તેમાંથી એક જુનૈદ સહરાઈ હતો, જે અલગાવવાદી સંગઠન તેહરિક-એ-હુર્રિયતના વડા મોહમ્મદ અશરફ સહરાઈનો પુત્ર હતો.
16 મે, ડોડા: ખોત્રા ગામમાં સુરક્ષાદળોએ 5 કલાકના એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી તાહિરને માર્યો હતો.
6 મે, પુલવામા: સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર રિયાઝ નાયકુની હત્યા કરી હતી. બે વર્ષથી તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં શામેલ કરવામાં આવ્યો હતો. નાયકુ તેની બીમાર માતાને મળવા માટે પુલવામાના બેગપોરા ગામે આવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here