રાજસ્થાનના જયપુરમાં એરપોર્ટ બાદ હવે 6થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યા મેઈલ તમામ શાળાઓના આચાર્યોના ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે શાળાની બિલ્ડીંગમાં બોમ્બ છે, જે વિસ્ફોટ થવાનો છે. મેઈલ મળતાની સાથે જ શાળાઓમાં ખળભળાટ મચી ગયો હતો. તરત જ તમામ વિદ્યાર્થીઓને વર્ગમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે ચાર શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પોલીસ શાળાઓમાં પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી અને એક ટીમ ઈમેલ મોકલનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.મળતી માહિતી મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ પ્રિન્સિપાલને ઈ-મેઈલ મોકલીને જણાવ્યું હતું કે સ્કૂલ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ માહિતી મળતા જ શાળાઓમાં ખળભળાટ મચી ગયો હતો. ભયનો માહોલ સર્જાયા બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પહેલો ધમકીભર્યો ઈ-મેલ મોતી ડુંગરી સ્થિત એમપીએસ સ્કૂલને મળ્યો હતો. પ્રિન્સિપાલની સૂચના પર પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ મેલ મોકલનાર વ્યક્તિના ઈમેલ આઈડી વિશે માહિતી મેળવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલીક શાળાઓને આવી ધમકીઓ મળી છે. તમામ શાળાઓમાં પોલીસની ટીમો મોકલવામાં આવી છે. દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.