રાજકોટમાં ભાજપના કાર્યકરોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી, નેતાઓ રાસ રમ્યા

0
5

રાજકોટ. આજે રામ કાજનો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્ર આખુ રામમય બન્યુ છે. ઠેર-ઠેર અયોધ્યાના વધામણાં કરવામાં આવી રહ્યાં છે. આજે અયોધ્યામાં શિલાન્યાસ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા હતાં. આ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ નેતા ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. નેતાઓએ દીવા પ્રગટાવી એક બીજાને મો મીઠુ કરાવી ઉજવણી કરી હતી.

ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ નેતાઓએ ભાજપ કાર્યાલયને શણગારીને રાસ રમ્યા હતા. ભાજપના કાર્યકરોએ જય શ્રીરામ અને હનુમાનજીના નારા લગાવ્યા હતાં. બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતાં. અનેક નેતાઓના મોઢા પરથી માસ્ક ઉતરી ગયેલા જોવા મળ્યાં હતાં.

આજે દેશભરના લોકોનું સપનું પૂર્ણ થશે
ભાજપના નેતાએ જણાવ્યું હતું કે રામ મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે ખુબ આનંદ થઈ રહ્યો છે. દેશભરમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. ત્યારે અમને ખુબ જ ખુશી થાય છે. આજે દેશભરના લોકોનું સપનું પૂર્ણ થશે. જેથી અમે આજે ફટાકડા ફોડી ઉજવણી કરી છે. મહત્વનું છે કે આજે સાંજે દિવાળીની જેમ આખા સૌરાષ્ટ્રમાં ઘરે-ઘરે દીપ પ્રાગટ્યનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અયોધ્યા શિલાયન્સ દિવસને લઈ ઉત્સાહ સાથે ખુશી મનાવી ભીડભંજન ચોક ખાતે લોકોના મોં મીઠાં કરાવ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી, મંત્રી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદનું ભૂમિપૂજન કર્યું, વૃક્ષારોપણ કરાયું
રામમંદિર ભૂમિપૂજનના સમયે જ અમરેલીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો અને નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજ્યના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ શંખનાદ કરી આ ઐતિહાસિક ઘડીને વધાવી હતી.અમરેલીની અમર ડેરી ખાતે વૃક્ષારોપણ કરી રામ વન બનાવવામાં આવ્યું હતું. અમરેલીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ ફટાકડા ફોડી ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.