સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની રાયસંગપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના દિવસે જ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોય અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઈ ગ્રામજનો અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આજે વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગામ લોકો સાથે મળી પ્રાથમિક શાળામાં તાળાબંધી કરતાં ચકચાર મચી છે. આ મામલાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા.
શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો હોય જેમાં ખોટાં તાયફા કરવામાં આવે છે. પરંતુ મુળભુત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી નથી, ત્યારે રાયસંગપર પ્રાથમિક શાળામાં પીવાના પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ બાબતે વ્યવસ્થાં કરવામાં ન આવતા ગામ લોકો રોષે ભરાયા હતા અને શાળાની તાળાબંધી કરી હતી. આ અંગે મુન્ના મકવાણાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે, ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા જશે નહીં.
આ મામલાની જાણ થતા તંત્રના અધિકારીઓ અને આગેવાનો દોડી આવ્યાં છે અને વાલીઓ સાથે બેઠક કરી સુવિધા આપવાની માંગણી સંતોષવાની વાતચીત કરી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ચૂકયો છે, છતાં પણ વિદ્યાર્થીઓને પુરતી સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ જિલ્લાની અનેક સરકારી શાળાઓમાં છે. ત્યારે આ મામલે શિક્ષણ અધિકારી અને તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવે અને જે સરકારી શાળાઓ છે તેમાં ભણતી નાની બાળાઓને તથા બાળકોને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.રાયસંગપર ગામની શાળાને હાલ ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. શાળામાં પ્રાથમિક સુવિધા, પાણીની સુવિધા, ટોયલેટ સહિતની વિદ્યાર્થીઓને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.