દિલ્હીની સાકેત કોર્ટે 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં સામેલ આતંકવાદી આરિજ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટના કહેવા પ્રમાણે ફરિયાદી પક્ષ આરિજ ઉર્ફે જુનૈદ ઘટના સ્થળે હાજર હતો તે સાબિત કરવામાં સફળ રહ્યો છે. દોષીની સજા અંગેનો નિર્ણય લેવા માટે કોર્ટે 15 માર્ચની તારીખ નક્કી કરી છે.
કોર્ટે આરિજ ખાનને હત્યા, હત્યાનો પ્રયત્ન, સરકારી કર્મચારીઓ પર હુમલો, સરકારી કર્મચારીના કામમાં અડચણરૂપ બનવું, સરકારી અધિકારીને ગંભીર રીતે ઘાયલ કરવો, આર્મ્સ એક્ટ સહિત અન્ય આરોપોમાં દોષી ઠેરવ્યો છે.
કોર્ટે તપાસ અધિકારીઓને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને શહીદ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા અને બે ઘાયલ પોલીસ કર્મચારીઓની પારિવારીક, સામાજીક અને આર્થિક સ્થિતિની જાણકારી આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટના કહેવા પ્રમાણે તેના આધાર પર પીડિત પરિવારને વળતર દેવા અંગે વિચારણા કરવામાં આવશે.
2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં તૈનાત ઈન્સપેક્ટર મોહન ચંદ શર્મા આતંકવાદીઓની ગોળી વાગવાથી શહીદ થયા હતા અને બે અન્ય પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
19 સપ્ટેમ્બર, 2008ના રોજ દક્ષિણ દિલ્હીના બાટલા હાઉસ ખાતે સંતાયેલા 5 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપતી વખતે 44 વર્ષીય મોહન ચંદ શર્માને 3 ગોળીઓ વાગી હતી અને બાદમાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા.
અગાઉ આતંકવાદી શહજાદ અહમદને 2013માં આ કેસમાં સજા થઈ ચુકી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન બંને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે બાકીના 3 પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
કોણ છે આરિજ ખાન?
ઉલ્લેખનીય છે કે, આરિજ ખાન 2008માં દિલ્હી, જયપુર, અમદાવાદ અને યુપીની કોર્ટમાં થયેલા વિસ્ફોટોનો મુખ્ય ષડયંત્રકાર છે. આ વિસ્ફોટોમાં 165 લોકો માર્યા ગયા હતા અને 535 લોકો ઘાયલ થયા હતા. તે સમયે આરિજ ખાનના માથે 15 લાખ રૂપિયાનું ઈનામ હતું તથા ઈન્ટરપોલે તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. આજમગઢના રહેવાસી આરિજની ફેબ્રુઆરી 2018માં સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી હતી.