19 એપ્રિલથી સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ રહી છે. ચૂંટણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પંચ તમામ પ્રયાસો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં લઈને ખાનગી કાર માલિકોને પણ બોલાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મેરઠમાં, જ્યારે સિટી મેજિસ્ટ્રેટે ચૂંટણી ફરજ માટે તેમનું વાહન સોંપવાની ના કહી હતી ત્યારે તેને કાયદાનું ઉલ્લંઘન માનીને ટેનમાં વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. એવામાં પ્રશ્ન થાય કે ચૂંટણીમાં પ્રાઈવેટ કારનો પણ ઉપયોગ થઇ શકે? એક સરકારી નિયમ એવો પણ છે કે ચૂંટણી અધિકારીઓને જરૂરિયાત પડે તો તેમના ડ્રાઈવર સાથે ખાનગી વાહનોને બોલાવી શકે છે. તાજેતરમાં આ બાબતે ગાઝિયાબાદની એક નોટીસ સામે આવી છે.જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર માલિકોને પોતાના વાહનો ચૂંટણી ફરજ માટે રિઝર્વ પોલીસ લાઇનના ચૂંટણી અધિકારી ઇન્ચાર્જને સોંપવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ ગાડીના શેડ માટે જો જરૂર પડે તો તાડપત્રી વગેરેની વ્યવસ્થા પણ ગાડીના માલિકે જ કરીને આપવાની રહેશે.
વાહનના બદલામાં ભાડું પણ ચૂકવવામાં આવશે
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાહન માટે ભાડું પણ ચૂકવવામાં આવશે. જે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવશે. તેમજ જો કોઈ વાહન માલિક પોતાનું વાહન સોપવાનો ઇનકાર કરે છે તો તેની સામે કાર્યવાહી પણ થઇ શકે છે.
ગાડીનોની જરૂર શા માટે પડે છે?
ચૂંટણી વખતે લાખોના કામો થાય છે. જેમાં પારદર્શિતા અને સલામતી રાખવી ખૂબ જ જરૂરી છે. સુરક્ષા દળો, ફ્લાઈંગ સ્ક્વોડ અને ચૂંટણી ફરજમાં રોકાયેલા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ માટે તમામ પ્રકારના વાહનો લઈ શકાય છે. મતપેટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ ગાડીઓની જરૂર પડે છે.
પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે નોટીસ
ગાડીના માલિકોને આ અંગે પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવે છે. જેમાં વાહન ક્યાં જમા કરવવાનું, કેટલા દિવસ માટે વગેરે જેવી જાણકારી આપવામાં આવે છે. તેમજ આ અંગે નોટીસ પણ આપવામાં આવે છે, જેથી વાહન માલિકો તેમના વાહનો નિયત તારીખ સુધીમાં જમા કરાવી શકે.
વહીવટી તંત્ર વાહન ઉપરાંત જગ્યાની માંગ પણ કરી શકે છે
આ નિયમનો ઉલ્લેખ જાહેર પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 160માં છે. તેના અનુસાર ચૂંટણી સંબંધિત કામ માટે વાહનોની માંગણી કરી શકાય છે. આ માંગ માત્ર સરકાર દ્વારા જ થઇ શકે છે, ચૂંટણી લડી રહેલા કોઈ પક્ષ દ્વારા નહિ. આ ઉપરાંત વહીવટી તંત્ર વ્યવસ્થા જાળવવા માટે તેમજ મતદાન પેટીઓ રાખવા માટે જગ્યાની માંગ પણ કરી શકે છે. જેના માટે લેખિત આદેશો જરૂરી છે.
કયા સંજોગોમાં વહીવટીતંત્ર વાહન ન લઇ શકે?
કલમ 160ની પેટાકલમમાં કયા સંજોગોમાં વહીવટીતંત્ર વાહન ન લઇ શકે તેનો ઉલ્લેખ છે. જો વાહનનો ઉપયોગ પક્ષ કે ઉમેદવાર દ્વારા કાયદેસર રીતે કરવામાં આવતો હોય તો વહીવટીતંત્ર તે વાહન લઈ શકે નહીં.
કોઈ માન્ય કારણથી જ વાહન આપવાની મનાઈ થઇ શકે
જો કે, વહીવટીતંત્ર પહેલા સરકારી અથવા કોમર્શિયલ વાહનોનો ઉપયોગ કરીને કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. કાયદા અનુસાર તમે કોઈ માન્ય કારણથી જ સરકારને વાહન આપવાની મનાઈ કરી શકો છો. પરંતુ તેની સાબિતી માટે તમારે દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. કોઈ મૌખિક ઇનકાર કરી શકાય નહિ.
ઇનકાર કરતી વખતે ગાડીના માલિકે જીલ્લા ચૂંટણી ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ વહીવટીતંત્ર પણ પુરતો પ્રયત્ન કરશે કે જો કોઈના ઘરમાં માત્ર એક જ ગાડી હોય તો તેને ચૂંટણીની ડ્યુટી માટે ન વાપરવામાં આવે.